આબુ અને સાપુતારાને પણ ભુલાવી દે એવી છે ગુજરાતની આ જગ્યા, પ્રકૃતિનું સાનિધ્ય એવું છવાયેલું છે કે જોઈને તમારા પણ હોશ ઉડી જશે

Everything about don hill statio : ગુજરાતીઓ ફરવાના ખુબ જ શોખીન હોય છે અને એક બે રજાઓ મળતા જ પરિવાર સાથે કે મિત્રો સાથે ક્યાંક ને ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી જ દેતા હોય છે. એવામાં ગુજરાતીઓ માટે સૌથી નજીકમાં આવેલા પ્રવાસન સ્થળ, દીવ, દમણ, આબુ, સાપુતારા જેવી જગ્યાઓ પર લોકો વધુ જતા હોય છે, પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવાના છીએ જે જગ્યા જન્નતથી કમ નથી, અને ખાસ વાત તો એ છે કે આ જગ્યા આપણા ગુજરાતમાં જ આવી છે.

ડોન હોલ :

અમે વાત કરી રહ્યા છીએ ડાંગ જિલ્લામાં આવેલા ડોન હિલની, જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી તમને જોવા મળશે. ડાંગના મુખ્ય શહેર આહવાથી માત્ર 38 કિલોમીટર દૂર આવેલું આ ડોન ગામ સાપુતારાથી પણ 17 મીટર ઊંચુ અને 10 ગણો પહોળો વિસ્તાર ધરાવે છે. સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલા આ હિલ સ્ટેશનની આસપાસ પ્રકૃતિનો અનોખો વૈભવ જોવા મળે છે. અહીંયા હરિયાળી, વળાંક, નદી, ઝરણા અને ઘણું બધું જોવાનું છે, જે જોઈને હૈયામાં આનંદ આનંદ વ્યાપી જાય.

ઐતિહાસિક મહત્વ :

સાપુતારાની જેમ આ હિલ સ્ટેશન પણ 1070 મીટરની ઊંચાઈએ છે. ખાસ વાત તો એ છે કે આ હિલ સ્ટેશન મહારાષ્ટ્ર બોર્ડરથી ફક્ત 3 જ કિલોમીટર દૂર છે. જેના કારણે તમે અહીંયાની મુલાકાત બાદ મહારાષ્ટ્રની મુલાકાત પણ લઇ શકો છો. આ  જગ્યાનું ઐતિહાસિક મહત્વ પણ ખુબ જ વિશાળ છે, અહીંયાના વિસ્તારની  ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ પણ જોડાયેલી છે. સાથે જ આ જગ્યા  ટ્રેકિંગ માટે પણ ઘણું જ મહત્વ ધરાવે છે.

કેવી રીતે પડ્યું નામ :

આ જગ્યાના નામનું પણ એક આગવું મહત્વ છે, ડોનનો સામાન્ય અર્થ આપણે જોઈએ તો ગુંડા, મવાલી કે માથાભારે લોકો માટે વપરાય છે, પરંતુ આ જગ્યાનું નામ ડોન કેવી રીતે પડ્યું તેનું કારણ અલગ છે, લોકવાયિકાઓ મુજબ અહીંના અહલ્યા પર્વત નજીક ગુરુ દ્રોણાચાર્યનો આશ્રમ હતો. રામાયણ સમયગાળામાં રામ, સીતા અને લક્ષ્મણ પોતાના વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા. ત્યારે ગુરુ દ્રોણાચાર્યના નામ પરથી જ આ પ્રદેશ દ્રોણના નામથી ઓળખાવા લાગ્યો હતો. ત્યારબાદ અંગ્રેજોનું આગમન થયું અને આ સાથે પ્રદેશનું નામ પણ બદલાઈ ગયું અને અપભ્રંશ થઈને પછી દ્રોણનું ડોન થઈ ગયું.

કેવી રીતે પહોંચવું :

આ હિલ સ્ટેશન સુરતથી લગભગ 150 કિલોમીટરના અંતરે  આવેલું છે, જ્યારે સાપુતારાથી આ જગ્યા 50 કિલોમીટર દૂર છે. આ વિસ્તાર આદિવાસી વસ્તીથી ઘેરાયેલો છે,  જેના કારણે તમે આ સ્થળની મુલાકાત દરમિયાન આદિવાસી જન જીવન, તેમની રહેણી કરણી, ખાણી-પીણીને પણ નજીકથી જોઈ શકો છો. ખાસ કરીને ચોમાસાના સમયમાં આ જગ્યા કોઈ જન્નતથી કમ નથી હોતી, વરસાદ સમયે પ્રકૃતિ આ જગ્યાને લીલી ચાદર ઓઢાવી દે છે અને એ જોવાનો રોમાંચ જ કંઈક અલગ હોય છે.

Niraj Patel