ખબર

7માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પરીક્ષામાં કરી ચોરી, તો શિક્ષકે ક્લાસમાં જ સજા આપી અને પછી ઉડાવ્યો મજાક, લાગી આવતા પંખા સાથે લટકીને કરી લીધો આપઘાત

ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના ઘણા બધા કિસ્સાઓ સામે આવે છે. જેમાં ખાસ કરીને યુવાનો અને બાળકોના આપઘાતના કિસ્સાઓ જોવા મળે છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે આપઘાત કરી લેતા હોય છે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. તો ઘણા સ્કૂલ કોલેજમાં ભણતા બાળકો પરીક્ષામાં નાપાસ થવાના ડરથી પણ આપઘાત કરી લેતા હોય છે, પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તે એકદમ રૂંવાડા ઉભા કરી દેનારી છે.

યુપીના રાયબરેલીમાં ધોરણ 7ના વિદ્યાર્થીએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.  પોલીસને ઘટનાસ્થળેથી વિદ્યાર્થીએ લખેલી સુસાઈડ નોટ મળી છે. જેણે પણ આ પત્ર વાંચ્યો કે સાંભળ્યો તેની આંખો આંસુઓથી ભરાઈ આવી. ઘટનાસ્થળે પહોંચેલા સીઓ સિટી વંદના સિંહે કહ્યું, “પિતાની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી છે. દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. દોષિતો સામે કાર્યવાહી કરીને પીડિતના પરિવારને ન્યાય આપવામાં આવશે.”

વિદ્યાર્થી યશ મૌર્ય છેલ્લા 5 વર્ષથી તેના માતા-પિતાથી 40 કિલોમીટર દૂર કાકા-કાકી સાથે રહીને અભ્યાસ કરતો હતો. ગુરુવારે તેની પરીક્ષા હતી. જેમાં તે નકલ કરતો પકડાયો હતો. તેને સુસાઇડ નોટમાં લખ્યું, “મેં પેપરમાં ચીટિંગ કરી. બાયોલોજી પેપરમાં. હું મરવા જઈ રહ્યો છુ આ માટે મારા કાકા-કાકી, મમ્મી-પપ્પાને દોષ ન આપો. ભૂલ કર્યા પછી, કોઈને ચોક્કસપણે તક આપવી જોઈએ, પરંતુ તે કરવામાં આવ્યું ન હતું. હું મારી ભૂલ પર ખૂબ રડ્યો. હું ખુબ વ્યાકુળ હતો. મારા સાથીઓ પણ શેમ શેમ બોલતા હતા. હવે મારું મન મારા વશમાં નથી. મને ખરાબ વિચારો આવે છે. હું માતા-પિતા, સાથીઓ અને શિક્ષકોને સોરી કહું છું.”

સેન્ટ પીટર્સ સ્કૂલના 12 વર્ષના વિદ્યાર્થી યશ સિંહ મૌર્યએ ગુરુવારે શિક્ષક અને પ્રિન્સિપાલના ત્રાસથી કંટાળીને પંખાના હૂક પર દુપટ્ટાથી લટકીને આપઘાત કરી લીધો હતો. ગુરુવારે બાયોલોજીની પરીક્ષામાં નકલ કરવા બદલ શિક્ષકે તેને માત્ર માર માર્યો જ નહીં પરંતુ બધાની સામે તેનું અપમાન પણ કર્યું. પછી પ્રિન્સિપાલ પાસે લઈ ગયા. તેમને પણ એ જ રીતે અપમાનિત કર્યો. આ જોઈને હતાશ થઈને યશ ઘરે પહોંચ્યો અને કંઈ બોલ્યા વગર ઘરના સૌથી ઉપરના રૂમમાં ગયો. સુસાઇડ નોટ લખીને તેણે પંખાથી લટકીને આપઘાત કરી લીધો.

પિતા રાજીવ મૌર્ય સહિત પરિવારના અન્ય સભ્યોએ આરોપ લગાવ્યો કે યશ આ આઘાત સહન કરી શક્યો નહીં. સીઓ સદર વંદના સિંહે કહ્યું કે તેમની ફરિયાદ પર પ્રિન્સિપાલ રજનાઈ ડિસોઝા અને શિક્ષિકા મોનિકા માગો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. યશના પિતા રાજીવ મૌર્ય કહે છે કે સારું શિક્ષણ મેળવવા માટે બાળકને રાયબરેલીમાં કાકાના ઘરે રાખવામાં આવ્યો હતો. મને ખબર ન હતી કે મારું બાળક શિક્ષકોના કારણે કાયમ માટે દૂર થઇ જશે.