વૃદ્ધ માજીના ઘરમાં નહોતી વીજળી, મહિલા IPS અધિકારીને થઇ આ વાતની જાણ, તાત્કાલિક કરાવ્યું ઘર રોશન, જુઓ
Old Women Got Electricity Connection : એવું કહેવાય છે કે કોઈના જીવનમાં અજવાળું પાથરવું એ ખુબ જ પુણ્યનું કામ છે. ઘણા લોકો એવા હોય છે જે હંમેશા બીજાનું ભલું કરવા માટે રચ્યા પચ્યા રહેતા હોય છે. ઘણા સરકારી અધિકારીઓ પણ આવું કામ કરે છે, ત્યારે હાલ એક મહિલા IPS ઓફિસર પણ આવા જ એક કામને લઈને ચર્ચામાં આવ્યા છે અને લોકો પણ તેમના ખુબ જ વખાણ કરી રહ્યા છે.
ગામમાં રહેતી એક વૃદ્ધ અને વિધવા મહિલાએ આર્થિક સંકડામણના કારણે ઘરમાં વીજ જોડાણ લીધું ન હતું. મહિલા IPSને ‘મિશન શક્તિ’ની બેઠક દરમિયાન આ વાતની જાણ થઈ. જે બાદ તેણે અમ્માના ઘરને રોશન કરવાનું મન બનાવ્યું અને તે પોતે જ તેના દરવાજે પહોંચી. જ્યારે અધિકરીએ વિદ્યુત વિભાગના કર્મચારીઓ સાથે તાર ખેંચવાનું શરૂ કર્યું ત્યારે તેમને જોવા માટે ઘણા લોકો એકઠા થઈ ગયા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બુલંદશહર પોલીસ નામના એકાઉન્ટ દ્વારા આ ક્લિપ માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી છે. કેપ્શનમાં લખ્યું છે – ‘મિશન શક્તિ’ અભિયાન હેઠળ, સહાયક પોલીસ અધિક્ષકે વૃદ્ધ મહિલાના ઘરે વીજળીનું કનેક્શન કરાવ્યું. જણાવી દઈએ કે મહિલા IPS અનુકૃતિ શર્મા બુલંદશહેરની આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ છે. તાજેતરમાં તેમણે મિશન શક્તિ અભિયાન હેઠળ એક બેઠક યોજી હતી જેમાં વૃદ્ધ નૂરજહાં પણ હાજર હતી.
જ્યારે IPSએ નૂરજહાંને તેની સમસ્યા વિશે પૂછ્યું તો ખબર પડી કે તેના ઘરમાં વીજળી નથી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નૂરજહાં પાસે કનેક્શન લગાવવાના પૈસા નહોતા, જેના કારણે તેની નાની ઓરડીમાં સાંજે અંધારું થઈ જતું હતું. અમ્માની સ્થિતિ સુધારવા માટે, IPS અને વિદ્યુત વિભાગના અધિકારીઓ તેમના ઘરે પહોંચ્યા અને તેમની સામે જ વીજળીનું જોડાણ કરાવ્યું.
“मिशन शक्ति” अभियान के अन्तर्गत सहायक पुलिस अधीक्षक द्वारा वृद्ध महिला के घर बिजली कनेक्शन कराया गया@Uppolice @wpl1090 pic.twitter.com/y0I6N3H4kV
— Bulandshahr Police (@bulandshahrpol) June 26, 2023
41 સેકન્ડની વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે ઘરમાં બલ્બ પ્રગટાવતાની સાથે જ મહિલા અધિકારી સાથે ઉભેલી અમ્મા ખડખડાટ હસવા લાગે છે. ત્યારબાદ તેમની સામે એક પંખો મૂકવામાં આવે છે, જેથી તેમને ગરમી ન લાગે. આ જોઈને વૃદ્ધા ખૂબ ખુશ થઈ જાય છે. IPS અનુકૃતિ શર્માની આ પહેલની દરેક વ્યક્તિ પ્રશંસા કરી રહી છે. અધિકારીએ કોઈનું ઘર રોશન કર્યું છે અને સૌથી અગત્યનું તે એક વિધવા વૃદ્ધ મહિલાના ચહેરા પર સ્મિત લાવવાનું કારણ બની છે.