રાજકોટ, વડોદરા અને ગાંધીનગર બાદ હવે અમદાવાદમાંથી પણ ઈંડા અને નોનવેજની લારીઓ થશે દૂર, જાણો શું મળ્યો આદેશ

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી જાહેર રસ્તાઓ ઉપરથી ઈંડા અને નોનવેજની લારીઓને દૂર કરવાની મુહિમ ચાલી રહી છે. તેની શરૂઆત રાજકોટમાંથી થઇ. રાજકોટ મેયર દ્વારા રસ્તા ઉપરથી ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવાના આદેશ આપ્યા બાદ ગુજરાતના બીજા શહેરોમાં પણ તેના પડઘા પડતા દેખાય. તેના બાદ વડોદરા અને ગાંધીનગરમાં પણ લારીઓ હટાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ ઉપરાંત ભાવનગર અને જૂનાગઢમાં પણ રસ્તા ઉપરથી નોનવેજ અને ઈંડાની લારીઓ દૂર કરવાના હુકમો કરવામાં આવ્યા. ત્યારે હવે આ શ્રેણીમાં અમદાવાદ પણ સામેલ થવા જઈ રહ્યું છે. આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરી હતી.

તેમને જણાવ્યું હતું કે, “મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહિના પહેલા શહેરમાં ધાર્મિક સ્થાનોની આસપાસ ઉભી રહેતી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જાહેરમાં લાયસન્સ વગર ઈંડા કે નોનવેજ વેચનાર લારીઓને જપ્ત કરી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેરમાં નોનવેજ લાયસન્સ વગર વેચી ન શકાય જેથી તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.”

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ઠેર થઈ સાંજ પડવાની સાથે જ જાહેર રસ્તાઓ ઉપર ઈંડા અને નોનવેજની લારીઓ ધમધમવા લાગે છે, શહેરના ઘણા વિસ્તારોમાં આખા દિવસ દરમિયાન ઈંડા અને નોનવેજની લારીઓ જોવા મળે છે. ત્યારે મોટાભાગના વિસ્તારોમાં જાહેરમાં લારીઓ પર નોનવેજ ખુલ્લામાં વેચાતું હોય છે છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીઓ આ મામલે કાર્યવાહી કરતા નથી.

ત્યારે હવે સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે જેના કારણે આગામી દિવસોમાં આવી લારીઓને બંધ કરવા ડ્રાઇવ યોજવામાં આવી શકે છે.

Niraj Patel