બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા પર EDનું એક્શન, મની લોન્ડ્રિંગ કેસમાં 98 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત

EDએ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રા સામે મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની પ્રોપર્ટી અને શેર જપ્ત કર્યા છે. આ સિવાય EDએ શિલ્પા શેટ્ટીનું ઘર પણ એટેચ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે EDએ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની 97.79 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે, જેમાં જુહુમાં એક ફ્લેટ અને પુણેમાં એક બંગલો પણ સામેલ છે.

આ પહેલા રાજ કુન્દ્રા પોર્નોગ્રાફીના કેસમાં ફસાયા હતા, જેમાં તેમને જેલમાં રહેવું પડ્યું હતું. જો કે, બાદમાં રાજ કુન્દ્રાને જામીન મળી ગયા. જો કે, હવે તેમના પર ફરી આફત આવી છે. EDએ ટ્વિટ કરી લખ્યુ- રિપુ સુદન કુન્દ્રા ઉર્ફે રાજ કુન્દ્રાની લગભગ 97.79 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવી છે.

પીએમએલએ 2002ની જોગવાઈઓ હેઠળ રાજ કુન્દ્રાની આ મિલકત અટેચ કરવામાં આવી છે. આમાં જુહુ સ્થિત ફ્લેટ પણ સામેલ છે, જે હાલમાં રાજ કુન્દ્રાની પત્ની શિલ્પા શેટ્ટીના નામે છે. રાજ કુન્દ્રાના નામના ઈક્વિટી શેર પણ જપ્ત કરવામાં આવ્યા છે. હાલમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સી અને બિટકોઈન દ્વારા વેપાર કરવો ગેરકાયદેસર છે. પરંતુ રાજ કુન્દ્રાએ કથિત રીતે બિટકોઈન દ્વારા કારોબાર કર્યો હતો અને તેના વ્યવહારોમાં છેડછાડ કરી હતી.

EDના અધિકારીએ જણાવ્યું હતું કે થાણે ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા કેસમાં રાજ કુન્દ્રાની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે અધિકારીએ કહ્યું હતું કે તે સ્પષ્ટ નથી કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની આ કૌભાંડમાં કોઈ ભૂમિકા છે કે પછી તે પીડિત છે. પરંતુ હવે જે રીતે પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે, તેનાથી રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી શકે છે. તમને જણાવી દઈએ કે પૂણેના બે બિઝનેસમેન અમિત ભારદ્વાજ અને વિવેક ભારદ્વાજે તેમની કંપની ‘ગેનબિટકોઈન’ દ્વારા 8,000 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હતી.

મે 2018 માં, EDએ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા એફઆઈઆરના આધારે ગેનબિટકોઈનના અમિત ભારદ્વાજ અને અન્ય આઠ લોકો સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આ બંને ભાઈઓએ ખાતરીપૂર્વકના વળતરનું વચન આપીને ગેરકાયદેસર ક્રિપ્ટો-મની સ્કીમ ચલાવીને રોકાણકારોને છેતર્યા હતા. બંનેની પુણે પોલીસે 5 એપ્રિલ 2018ના રોજ ધરપકડ કરી હતી.

Shah Jina