કળયુગના દાનવીર કર્ણ બન્યા ડો.અરવિંદ ગોયલ, જીવનભરની કમાણી 600 કરોડ રૂપિયા ગરીબોને કરી દીધી દાન

એક સલામ તો બને જ છે : 25 વર્ષ પહેલા જ બનાવી લીધુ હતુ મન, ગરીબને ઠંડીમાં ધ્રુજતો જોયો તો નિર્ણય કરી લીધો કે બધી સંપત્તિ દાન કરી દઇશ, હવે 600 કરોડનું દાન કર્યું

દાનવીર કર્ણને આજે પણ દુનિયાના સૌથી મોટા દાની માનવામાં આવે છે. કહેવાય છે કે સ્નાન બાદ કર્ણ પાસે જે પણ ભિક્ષામાં માંગવામાં આવતુ તે આપી દેતા હતા. મહાભારતના યુદ્ધને જીતવા માટે ભગવાન કૃષ્ણએ ઘણી ચતુરાઇ સાથે કર્ણ પાસે તેમનું કવચ અને કુંડલ દાનમાં માંગી લીધુ હતુ. જો કે, આ વાત તો રહી મહાભારતના કર્ણ નહિ પરંતુ આજે અમે તમને કળયુગના કર્ણ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. અમે તમને એક એવા દાનવીર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પોતાના જીવનની આખી કમાણી ગરીબોને દાનમાં આપી દીધી છે, લગભગ 600 કરોડ તેમણે હસતા હસતા દાનમાં આપ્યા છે. આ વ્યક્તિ છે મુરાદાબાદના ઉદ્યોગપતિ ડૉ. અરવિંદ કુમાર ગોયલ જેમણે પોતાની આખી સંપત્તિ ગરીબોને દાન કરી દીધી છે.

ડો. ગોયલની દાનમાં આપેલી સંપત્તિનું મૂલ્ય આશરે રૂ. 600 કરોડ છે. દૂર-દૂર સુધી એવો બીજો કોઈ દાખલો નથી કે જ્યાં કોઈ વ્યક્તિએ જીવનભર મહેનત કરીને કરોડો રૂપિયાનું સામ્રાજ્ય બનાવ્યું હોય અને પછી તેને પળવારમાં જ દાન કરી દીધુ હોય. ડૉ. ગોયલે તેમની કમાણી રાજ્ય સરકારને ગરીબ અને અનાથ બાળકોના શિક્ષણ અને તબીબી સારવાર માટે આપવાની જાહેરાત કરી છે. મુરાદાબાદની સિવિલ લાઈન્સમાં ડોક્ટર અરવિંદ કુમાર ગોયલનો બંગલો છે. માત્ર આ બંગલો જ ડો.ગોયલે પોતાની પાસે રાખ્યો છે. જયારે તેમણે સોમવારે રાત્રે બધું દાન કરવાની જાહેરાત કરી ત્યારે મોટી સંખ્યામાં લોકો મંગળવારે સવારથી જ તેમના બંગલે ભેગા થવા લાગ્યા હતા.

ડૉ. અરવિંદ કુમાર ગોયલના પરિવારમાં તેમની પત્ની રેણુ ગોયલ ઉપરાંત તેમના બે પુત્રો અને એક પુત્રી છે. તેમનો મોટો પુત્ર મધુર ગોયલ મુંબઈમાં રહે છે. નાનો પુત્ર શુભમ પ્રકાશ ગોયલ મુરાદાબાદમાં રહે છે અને તેના પિતાને સમાજ સેવા અને વ્યવસાયમાં મદદ કરે છે. પ્રોપર્ટી ડોનેટ કરવાના નિર્ણય અંગે ડો.ગોયલે કહ્યું કે તેમણે 25 વર્ષ પહેલા જ પોતાની તમામ સંપત્તિ દાન કરવાનો નિર્ણય લીધો હતો. તે સમયે એક ઘટનાનો ઉલ્લેખ કરતા ડૉ. ગોયલે કહ્યું કે તે ડિસેમ્બર મહિનો હતો અને તે ટ્રેનમાં ક્યાંક જઈ રહ્યા હતા. તેમણે તેમની સામે એક માણસને ઠંડીથી ધ્રૂજતો જોયો. તેના પગમાં ન તો ચપ્પલ હતા કે શરીર પર ધાબડો.

ડો. ગોયલે કહ્યું કે મેં તેમને મારા જૂતા આપ્યા. ડો. ગોયલ કહે છે કે, ‘તે રાત્રે મેં વિચાર્યું કે કેટલા લોકો ઠંડીમાં કેવું અનુભવતા હશે. ત્યારથી મેં ગરીબ અને નિરાધાર લોકોને મદદ કરવાનો પ્રયાસ શરૂ કર્યો. મેં ઘણી પ્રગતિ કરી છે પણ જીવનનો ભરોસો નથી. તેથી, હું જીવતો છું, હું મારી મિલકત યોગ્ય હાથમાં સોંપી રહ્યો છું. જેથી કરીને તે અમુક જરૂરિયાતમંદોને ઉપયોગી થઈ શકે. મેં મારી મિલકત દાનમાં આપવા માટે જિલ્લા પ્રશાસનને પત્ર લખ્યો છે. ડો. ગોયલના પિતા પ્રમોદ કુમાર ગોયલ અને માતા શકુંતલા દેવી સ્વાતંત્ર્ય સેનાની હતા. એટલું જ નહીં, તેમના બનેવી મુખ્ય ચૂંટણી કમિશનર રહી ચૂક્યા છે. ડૉ. ગોયલના જમાઈ કર્નલ અને સસરા સેનામાં જજ રહી ચૂક્યા છે.

ડૉ. ગોયલને તેમના સામાજિક કાર્યો માટે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી પાટિલ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. ડો.ગોયલ પહેલાથી જ સમાજ સેવાના કામ માટે પ્રખ્યાત છે. તેમની મદદથી છેલ્લા 20 વર્ષથી દેશભરમાં સેંકડો વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ અને મફત આરોગ્ય કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેમની મદદથી ચાલતી શાળાઓમાં ગરીબ બાળકોને મફત શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. કોવિડ લોકડાઉનમાં પણ તેમણે લગભગ 50 ગામોને દત્તક લીધા અને લોકોને મફત ભોજન અને દવા આપી. ડો.ગોયલે 50 વર્ષની મહેનતથી આ પ્રોપર્ટી બનાવી હતી. તેમના પરિવારમાં પત્ની અને બાળકોએ પણ તેમના નિર્ણયનું સ્વાગત કર્યુ હતુ.

Shah Jina