સુરત: જે વ્યક્તિએ લોકોમાં અંગદાન માટે જાગૃતિ ફેલાવી તેમના જ અંગદાનથી મળ્યું પાંચ-પાંચ લોકોને નવું જીવન

કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરી ૫ – ૫ લોકોને નવી જિંદગી આપી, વાંચો સમગ્ર વિગત

ઘણા લોકો એવું માનતા હોય છે કે આપણા અવસાન બાદ શરીર કોઈ કામનું નથી રહેતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી દેહદાનને લઈને લોકોમાં જાગૃતિ આવેલી જોવા મળી રહી છે. એમાં પણ દેહદાનમાં સુરત અગ્રેસર જોવા મળે છે. જેમાં વ્યક્તિના અવસાન બાદ પરિવાર દ્વારા લેવામાં આવેલા દેહ દાનના નિર્ણયથી કેટલાય લોકોને નવું જીવન મળ્યું છે.

હાલ પણ એક એવી જ માનવતાને મહેકાવતી એક ઘટના સામે આવી છે જેમાં સુરતમાંથી અંગદાન માટે કામ કરતી સંસ્થામાં સ્વયંસેવક તરીકે સેવા આપતા અને સુરતી મોઢ વણિક સમાજના બ્રેઈનડેડ ગીતેશ ચંદ્રવદન મોદીને અકસ્માત બાદ બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. બાદમાં પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

આ બાબતે મળી રહેલી વધુ વિગતો અનુસાર ગત 23 જૂનના રોજ સવારે 11.15 કલાકે ગીતેશભાઈ પોતાની મોટરસાયકલ પર સ્ટેશન તરફ જઈ રહ્યા હતાં. ત્યારે રીંગરોડ કૃષિ બજાર સામેના ફ્લાય ઓવર પર એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગીતેશ પોતાની મોટરસાઇકલ પરથી નીચે પડી ગયા હતા અને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતાં.

જેના બાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક વિનસ હોસ્પીટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. નિદાન માટે CT સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું સામે આવ્યું હતું. ન્યૂરોસર્જન ડૉ.જેનીલ ગુરનાનીએ ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો.

પરંતુ થોડા દિવસની સારવાર બાદ તા.27 જુનના રોજ ડોક્ટરોએ તેને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. જેના બાદ ગીતેશના બનેવી રાજેશકુમાર વેણીલાલ ઢબુવાલાએ ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી ગીતેશના બ્રેઈનડેડ અંગેની તેમજ તેની પત્નીએ તેના અંગદાન કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે તેની જાણકારી આપી.બાદમાં પરિવારે અંગદાનની સહમતી આપી હતી.

મૃતકની એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRC હોસ્પીટલમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ઝાયડસ હોસ્પીટલમાં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે વિનસ હોસ્પિટલથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ સુધીના 274 કિ.મિ.ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર આપ્યો હતો.

Niraj Patel