રાજકોટમાં રસ્તા પર રખડતા શ્વાને એવી વિચિત્ર હરકત કરી કે એક મહિલાનો જીવ, શુભ પ્રસંગમાં જવા નીકળ્યા હતા અને રસ્તા પર જ મોત ભરખી ગયું… જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. અત્યાર સુધી રખડતા ઢોરની ચપેટમાં ઘણા લોકો આવી ગયા છે અને જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ પણ થયા છે અને ઘણા લોકોના મોત પણ થયા છે. ત્યારે હાલ રાજકોટમાં એક રખડતા શ્વાનના કારણે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રસ્તા પર એક રખડતા શ્વાને બાઈક પર બેઠેલી મહિલાની સાડીનો છેડો ખેંચ્યો અને તે નીચે પટકાઈ હતી અને તેમાં તેનું મોત નીપજ્યું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં કોઠારીયા રોડ પર આવેલા પારસ પાર્કમાં રહેતા મનજીભાઇ ગોંડલીયા બાઈક લઈને વહેલી સવારે એક હવનમાં જવા માટે તેમના પત્ની નયનાબેન સાથે નીકળ્યા હતા. મનજીભાઇ બાઈક ચલાવી રહ્યા હતા અને નયનાબેન પાછળ બેઠા હતા. ત્યારે કોઠારીયા ચોકડી નજીક બાઈકની પાછળ ભાગેલા રસ્તા પર રખડતા એક શ્વાને નયનાબેનની સાડીનો છેડો મોઢામાં નાખી દીધો.

જેના કારણે નયનાબેનનું બેલેન્સ બગડ્યું હતું અને તે બાઈક પરથી નીચે પટકાયા હતા. જેના બાદ તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હાજર ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મહિલાના આમ અકાળે નિધનના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો. દંપતી શુભ પ્રસંગમાં જવા માટે નીકળ્યું હતું અને મહિલાને મોત ભરખી ગયું.

ત્યારે આ મામલે પરિવારજનો દ્વારા મનપાને રખડતા શ્વાનને લઈને કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી છે. જેના કારણે કોઈ અન્ય વ્યક્તિ આ રીતે પોતાનો જીવ ના ગુમાવે. ગુજરાતમાં રખડતા શ્વાનને કારણે કોઈનો જીવ ગયો હોય એવી ઘટનાઓ અગાઉ પણ બની ચુકી છે. થોડા દિવસ પહેલા જ સુરતમાં એક બાળક પર 5 જેટલા શ્વાને હુમલો કર્યો હતો અને 25 જેટલા બચકા ભર્યા હતા જેમાં તેનું મોત નીપજ્યું હતું.

Niraj Patel