જાપાનના પૂર્વ PM ની હત્યા કરનાર હુમલાખોરે જાતે બનાવી હતી બંદૂક, કેમ હત્યા કરી? થયો ચોંકાવનારો ખુલાસો

જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેનું નિધન થઇ ગયુ છે. તેમના પર કેમેરા જેવી દેખાવવા વાળી હૈંડમેન ગનથી હુમલો કરવામાં આવ્યો હતો. ફાયરિંગ બાદ સામે આવેલી તસવીરોથી આ ખુલાસો થયો હતો. હુમલાખોરે જે રીતે ગનને ડિઝાઇન કરી હતી તે કેમેરા જેવી દેખાય એ માટે તેણે તેના પર કાળી પોલીથિન પણ લપેટી હતી. હુમલાખોરે 100-150 મીટર દૂરથી ગોળીબાર કર્યો હતો. હુમલાખોર ફોટોગ્રાફ લેવાના બહાને આબેની નજીક આવ્યો હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ તેણે ગોળીબાર કર્યો હતો. આબેને પાછળથી બે વાર ગોળી વાગી હતી. પોલીસે હુમલાખોર યામાગામી તેત્સુયાની ઘટના સ્થળેથી ધરપકડ કરી હતી. હુમલાખોર પૂર્વ પીએમના ભાષણ દરમિયાન પત્રકાર તરીકે હાજર રહ્યો હતો.

હાલ હુમલાખોરની પૂછપરછ કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, યામાગામી તેત્સુયા અગાઉ મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સનો સભ્ય હતો. આબે પર ગોળીબાર કર્યા પછી હુમલાખોર થોડીવાર ત્યાં જ ઊભો રહ્યો. ત્યારબાદ તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.આ દરમિયાનની કેટલીક તસવીરો પણ સામે આવી છે. આ ઉપરાંત તેણે પૂછપરછમાં જે જણાવ્યુ તે ઘણુ જ ચોંકાવનારુ હતુ. હુમલાખોરે પોલિસ પૂછપરછમાં આ હત્યા પાછળનો હેતુ જાહેર કર્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, હુમલાખોર શિન્ઝો આબેથી ગુસ્સે હતો અને અસંમતિ વ્યક્ત કરવા બદલ તેણે પૂર્વ પીએમને નિશાન બનાવ્યા હતા. તે આબેની કામ કરવાની રીતથી ખુશ હતો નહિ અને તે માટે તેણે આવું કર્યુ હતુ.

આબે પર દેશી બનાવટની બંદૂકથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને નજીકથી ગોળી વાગી હતી. નારાની પોલીસે હત્યાના પ્રયાસ માટે યામાગામીની ધરપકડ કરી હતી અને જાણવા મળ્યું હતું કે હુમલાખોરે 2000માં ત્રણ વર્ષ સુધી મરીન સેલ્ફ-ડિફેન્સ ફોર્સમાં સેવા આપી હતી. પોલીસ હુમલાખોરની પૂછપરછ કરી રહી છે અને તેના ઘરમાંથી વિસ્ફોટકો પણ મળી આવ્યા છે.67 વર્ષીય આબેને ગોળી વાગ્યા બાદ તરત જ વિશેષ વિમાનમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તે સમયે તેઓ શ્વાસ લઈ રહ્યા ન હતા.

વિશ્વના સૌથી સુરક્ષિત દેશોમાંના એક ગણાતા જાપાનમાં થયેલો આ હુમલો આશ્ચર્યજનક છે કારણ કે ત્યાં ગન કંટ્રોલ સામે કડક કાયદા છે અને હથિયારનું લાઇસન્સ મેળવવું ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. શિન્ઝો આબે જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો અને શિંજો આબે આ દરમિયાન ઢળી પડ્યા. તેમણે તેમની છાતી પર હાથ પકડી રાખ્યો હતો અને તેમનો શર્ટ લોહીથી લથપથ હતો.

શિંજો આબે ભારતના પ્રધાનમંત્રી મોદીના ખાસ મિત્ર હતા. તેમના નિધનથી ભારતમાં પણ શોકની લહેર છે અને પીએમ મોદીએ તેમનું વર્ણન કરતા 9 જુલાઈએ દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. પીએમ મોદીએ ભારત-જાપાન સંબંધોને મજબૂત કરવા માટે આબેના વખાણ કર્યા અને કહ્યું કે માત્ર દરેક જાપાની જ નહીં પરંતુ ભારતીય પણ તેમના નિધનથી ઊંડો આઘાત અનુભવે છે.

Shah Jina