ઘણા સમય બાદ લાઈવ વીડિયો દ્વારા જોવા મળ્યા દયાબેન, રંગમંચથી લઈને ‘તારક મહેતા’ સુધીની સફર, દિશા વાકાણી અને તેમના પિતાના શબ્દોમાં

દિશા વાકાણી આજે ટીવીની દુનિયાનું ખુબ જ મોટું નામ છે. “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં દયાબેનનો રોલ કરીને દિશા વાકાણી આજે ભારતના દરેક ઘરમાં એક આગવું નામ બની ગયા છે. ત્યારે દિશા વાકાણીના જીવન વિશે પણ ઘણા લોકો જાણવા ઈચ્છે છે. તે છેલ્લા કેટલાય સમયથી ટીવીના પડદાથી દૂર છે. પરંતુ હાલમાં કોકોનટ થિયેટર ગૌરવપૂર્વક ‘ચાય-વાય એન્ડ રંગમંચ-ગુજરાતી તખ્તાને સંગ-સીઝન-૩’ની શરૂઆત કરી છે. જેમાં દિશા વાકાણીએ “કોકોનટ થિયેટર”ના પેજ ઉપર એક લાઈવ ઇન્ટરવ્યૂ આપ્યું જેમાં તેમને તેમની જીવન સફર વિશે જણાવ્યું હતું. (તસવીરો સાભાર: કોકોનટ થિયેટર )

અત્યારે “કોકોનટ થિયેટર”ના “ચાય-વાય એન્ડ રંગમંચ- ગુજરાતી તખ્તાને સંગમ” અત્યાર સુધીમાં “સ્કેમ 1992″ના હર્ષદ મહેતાના પાત્રમાં દુનિયા આખીમાં ફેમસ થયેલા પ્રતીક ગાંધી, ગુજરાતી રંગભૂમિના ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા, સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીમતી રોહિણી હટગંડી, પ્રખ્યાત લેખક દિગ્દર્શક વિપુલ મહેતા, દિગ્દર્શક ફિરોઝ ભગત, ફેમસ કલાકાર અરવિંદ વૈદ્ય, લેખિકા શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય, રપ૦ થી વધુ સપરિહટ નાટકોના લેખક પ્રવીણ સોલંકી, નિર્માતા કૌસ્તુભ ત્રિવેદી, સંજય ગોંરડિયા, મનોજ શાહ, સુજાતા મહેતા મહેમાન તરીકે આવી ચૂક્યા છે.

કોકોનટ થિયેટર દ્વારા કરવામાં આવેલા આ લાઈવમાં દિશા વાકાણી અને તેમના પિતાએ રંગમંચની તેમની સફર અને ટીવી અને ફિલ્મોમાં કામ કરવા સુધીની બાબતો ઉપર પ્રકાશ પાથર્યો હતો. જેમાં ઘણી એવી બાબતો જાણવા મળી જે આજ સુધી દિશા વાકાણીના ચાહકોને પણ ખ્યાલ નહીં હોય.

દિશા વાકાણીના જન્મ સાથે જોડાયેલી એક ખુબ જ સારી ઘટના છે, તેમને જણાવ્યું હતું કે મોટાભાગે બાળક જન્મે ત્યારે તેમનું નામ ફોઈ પાડતા હોય છે, પરંતુ તેમનું નામ તેમના ફોઈએ નહોતું પાડ્યું. દિશા વાકાણીએ જણાવ્યું હતું કે જયારે તેમનો જન્મ થયો ત્યારે તેમના ઘરની અગાશી ઉપર નાટકનું રિયર્સલ ચાલતું હતું.

ત્યારે આગળ તેમના પિતાએ જણાવ્યું હતું કે, “ધાબા ઉપર ભરત દવે એક નાટક કરાવતા હતા, શ્રીકાંત શાહનું “એકાંતની અડોઅડ” એમાં તેઓ પણ એક રોલ કરતા હતા. તેના લેખકને તેમને દીકરીનું નામ પાડવા માટે કહ્યું.. તેમને આવીને દીકરીનું મોઢું જોયું અને નામ પાડ્યું દિશા. સાથે જ તેમને જણાવ્યું કે “દિશાના ઝંડા ચારે કોર લહેરાશે”

દિશાના પિતાએ આગળ જણાવ્યું હતું કે તેમને પહેલા મયુરને નાટક કરવા માટે મુંબઈ મોકલ્યો હતો પરંતુ તેને માફક ના આવતા તે પાછા આવ્યા, જેના બાદ દિશાએ પણ તેના પિતાને કહ્યું કે તેને નહિ જવા દો અને પછી તે ખુબ જ રડી. તેના પિતાએ ત્યારે તેને જણાવ્યું કે તેને કોઈપણ સંજોગોમાં મુંબઈ નાટક કરવા માટે લઇ જઈશ.

દિશા વાકાણીએ જણાવ્યું કે તેમના પિતાએ તે વખતે સમય પહેલા નિવૃત્તિ લઈને તેમની સાથે મુંબઈ આવ્યા, તેમને સ્કૂલમાં નોકરી છોડી દીધી. ત્યારે તેમનું 4 હજાર પેંશન હતું અને દિશાને જણાવ્યું હતું કે આપણે 4 હજારમાં ઘર ચલાવવાનું છે.

દિશાના પિતાએ જણાવ્યું કે ત્યારે તેમના સ્ટાફના લોકો પણ સલાહ આપતા હતા કે ચાલુ નોકરી ના છોડાય. પરંતુ તેમને જણાવ્યું કે મારે નોકરી છોડવી છે. અને હવે તેમને અડધો પગાર એટલે કે 4000 રૂપિયા મળતા હતા જેમાં તેમને મુંબઈમાં બધું જ ગુજરાન ચલાવવાનું હતું.  દિશાની મમ્મીની નોકરી શિક્ષિકા તરીકેની ચાલુ હતી. ત્યારે દિશા અને તેના પિતાએ મુંબઈ માટેની સફર શરૂ કરી ત્યારે મહેન્દ્ર ભાઈ ત્રિવેદિએ તેમને જણાવ્યું કે તે મુંબઈ આવી તો જાવ તમારું બધું ગોઠવી આપીશું. ત્યાં ગયા બાદ તેમને દિશા અને તેના પિતા માટે એક 8X6ની ઓરડી 1500 રૂપિયા ડિપોઝીટ અને 500 રૂપિયા ભાડે શોધી આપી.  તેમના પિતાએ જણાવ્યું કે ભાડુઆતોને જેટલી પણ તકલીફ પડતી હોય તેટલી તકલીફ તેમને સહન કરી, પોલીસ ચોકીઓના પણ આંટા ખાધા. આ રીતે ધીમે ધીમે એક પછી એક ઘર બદલતા, મકાન માલિક દ્વારા આપવામાં આવતી તકલીફો સહન કરતા કરતા દિશાએ આજે પોતાનું ઘર બનાવ્યું છે.

દિશા વાકાણીએ જણાવ્યું હતું કે તે જયારે પહેલીવાર મુંબઈ આવ્યા ત્યારે ટ્રેનની ભીડ જોઈને તે ખુબ જ ગભરાઈ ગયા હતા. અને ત્યારે તેમના પિતાને કહ્યું હતું કે આની આજ ટ્રેનમાં પાછા અમદાવાદ ચાલ્યા જઈએ, મારાથી નહિ રહેવાય આટલી બધી ભીડ મને નહિ ફાવે.”

આ લાઈવમાં જ તેમના પિતાએ જણાવ્યું કે દિશાને મુંબઈમાં આવ્યા બાદ નાટકોમાં જોઈને લોકો પણ હેરાનીમાં પડી ગયા અને વાતો કરવા લાગ્યા કે આ નવી કલાકાર કોણ છે, ધીમે ધીમે લોકો પણ દિશાને ઓળખતા થયા અને પછી તેમને ગોપી દેસાઈ સાથે વાત કરી. ગોપી દેસાઈએ એકતા કપૂરની એક ધારાવાહિકમાં રોલ આપાવ્યો.

દિશા જણાવે છે કે તેના પિતાના રંગમંચના સંબંધો તેને મુંબઈમાં કામ લાગ્યા. એ  બધા જ વ્યક્તિઓનો તેના જીવનને ઉપર લાવવામાં ખુબ જ મોટો હાથ છે.  દિશાના પિતાએ જણાવ્યું કે દિશા તેમાં માટે ખુબ જ શુભ રહી છે. તેના જન્મ બાદ તેમના જીવનમાં ખુબ જ પ્રગતિ થઇ છે. દિશા વાકાણી અને તેમના પિતાએ એ સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

દિશાએ તેમના જીવનમાં તેમનું પહેલું નાટક તેમના પપ્પાનું જ કર્યું હતું. જેમાં તેમના પપ્પા અને મોટાભાઈ મયુર પણ સાથે હતા.  દિશાએ જણાવ્યું કે બાળપણમાં તેના પિતા પ્રચાર શો કરતા હતા તેના દ્વારા તેમને ગામડાની નજીક જવાનું મળ્યું. ગામડાને ઓળખવાનું મળ્યું. અનુભવવાનું મળ્યું. દિશાના કોલેજકાળના સમયમાં તેમને ઘણા એવા નાટકોમાં પણ કામ કર્યું જેના શો આજ સુધી નથી થયા. આ બધા નાટકો ના થવા પાછળનું દિશા વાકાણીને ઘણું દુઃખ પણ છે.

દિશા વાકાણીને સંજય ગરોળીયાએ “દેરાણી-જેઠાણી” નાટકની અંદર એક નાનો રોલ ઓફર કર્યો હતો, આ નાટકને વિપુલ મહેતા દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું હતું. નાનો રોલ કરવા માટે તેના મનમાં અવઢવ હતી, પરંતુ તેમના ભાઈ મયુર વાકાણીએ પહેલા કરેલા એક નાના રોલ અને પિતાની પ્રેરણાથી તેને આ રોલ કર્યો અને ત્યારબાદ સંજય ગરોળીયાએ તેમને આજ નાટકમાં દેરાણીનો રોલ ઓફર કર્યો. દિશા વાકાણીએ આ રોલ સ્વીકાર્યો અને આ નાટકના ઘણા શો તેમને કર્યા. અને ત્યારથી તેમને રંગભૂમિનો રંગ લાગી ગયો.

દિશા  વાકાણીએ “મંટો કી કહાનિયા”નું પઠન કર્યું હતું જેમાં દિલીપ જોશી પણ તેમની સાથે હતા. દિશાના પિતાએ જણાવ્યું કે દિશાએ કોમર્શિયલ નાટકો ઉપરાંત ઢગલાબંધ નોન કોમર્શિયલ, ક્લાસિકલ, સાહિત્યિક નાટકોમાં પણ કામ કર્યું છે. દિશાએ “લગાન” ફિલ્મમાં પણ નાનો એવો રોલ કર્યો છે, તો “જોધા અકબર” ફિલ્મમાં પણ આશુતોષ ગોવારિકરે દિશાને એક સારો રોલ આપ્યો હતો.

દિશાના પિતાએ તેના ભાવનગરમાં યોજાયેલા એક નાટકના શો વિશે જણાવ્યું હતું કે દિશાનો છેલ્લો સીન જોઈને એક માજી બેભાન થઇ ગયા હતા, જેના બાદ દિશાએ નીચે આવી અને જણાવ્યું હતું કે તે જીવતી છે. એ તો ખાલી નાટકમાં મરી ગઈ હતી. જેના બાદ એ માજી ઉભા થઇ ગયા અને દિશાને બાથમાં લઇ લીધી હતી. અને કહ્યું હતું કે “તું આવો અભિનય શું કરવા કરે છે ? જેને જોઈને અમને પણ આઘાત લાગે છે. જેના બાદ દિશાને તેમને આશીર્વાદ આપ્યા હતા. આવા જ ઘણા બધા આશીર્વાદથી આજે દિશા આ મુકામ ઉપર પહોંચી છે, એવું દિશાના પિતાએ જણાવ્યું હતું.

દિશા વાકાણીએ સંજય ગરોળીયાના “લાલી લીલા” નાટકના લીધે તેમને આખું વિશ્વ ફરવાનો મોકો મળ્યો. આ નાટકના તેમને 300થી પણ વધારે શો કર્યા હતા. એ રીતે દિશા વાકાણીએ બાળપણથી જ તેના પિતા અને મોટાભાઈ મયુર વાકાણી દ્વારા રંગમંચ ઉપરથી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. અને આજે તે હિન્દી ટેલિવિઝનમાં પણ એક જાણીતું નામ બની ગઈ છે, દિશા વાકાણીના અભિનયના માત્ર ભારતમાં જ નહિ દુનિયાભરમાં પણ લાખો ચાહકો છે.

Niraj Patel