મહેશભાઈ સવાણીએ દીકરીઓના લગ્ન બાદ નિભાવી એક બાપ તરીકેની ફરજ… “દીકરી જગત જનની” લગ્નોત્સવમાં લગ્ન કરાવેલી દીકરીઓને મોકલી 12 દિવસના પ્રવાસ પર

“દીકરી જગત જનની” લગ્નોત્સવમાં દીકરીઓને લગ્ન કરાવ્યા બાદ મહેશ સવાણીએ દીકરીઓ અને જમાઇઓને મોકલ્યા પ્રવાસ પર, કોઈ અગવડ ના પડે તેનું પણ ખાસ ધ્યાન રાખ્યું, જુઓ દીકરીઓએ શું કહ્યું ?

સુરતના ઉદ્યગપતિ મહેશભાઈ સવાણી તેમના સેવાકીય કાર્યોના કારણે ખુબ જ જાણીતા છે. તેમણે અત્યાર સુધી હજારો અનાથ અને પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવ્યા છે અને એક પિતા તરીકેની પોતાની બધી જ ફરજો પણ નિભાવી છે. તે માત્ર દીકરીઓના લગ્ન કરાવીને પોતાની ફરજ પૂર્ણ નથી કરતા પરંતુ લગ્ન બાદ પણ એક પિતા તરીકે તે દીકરીની પડખે ઉભા રહે છે.

મહેશભાઈ સવાણી દર વર્ષે સમૂહ લગ્નોત્સવમાં ઘણી બધી દીકરીઓના લગ્ન કરાવતા હોય છે. આ વર્ષે પણ તેમણે દીકરી જગત જનની લગ્નોત્સવ અંતર્ગત 300 દીકરીઓના ખુબ જ ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીત ઘણા નેતાઓ અને નામી અનામી લોકોએ હાજરી આપી હતી.

ત્યારે હવે લગ્ન બાદ એક પિતા તરીકેની ફરજ નિભાવતા મહેશભાઈએ આ દીકરીઓ અને જમાઈને ફરવા માટે પણ મોકલ્યા છે. મહેશભાઈ દર વર્ષે સમૂહ લગ્નમાં જે દીકરીઓના લગ્ન કરાવે છે, તે દીકરીઓ અને જમાઈને મનાલીના પ્રવાસે મોકલતા હોય છે અને ત્યાં પણ તેઓ બધી જ વ્યવસ્થા કરતા હોય છે.

આ વર્ષે પણ દીકરી જગત જનની અંતર્ગત લગ્ન કરાવવામાં આવેલી દીકરીઓ અને જમાઈના પહેલા ગ્રુપને 12 દિવસના મનાલી પ્રવાસે રવાના કર્યા છે. જેની માહિતી મહેશભાઈ સવાણીએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે. મહેશભાઈએ તેમના સોશિયલ મીડિયામાં તસવીરો અને વીડિયો શેર કર્યા છે જેમાં આ દીકરીઓ અને જમાઈની ખુશી જોઈ શકાય છે.

મહેશભાઈએ તસવીરો શેર કરતા કેપશનમાં લખ્યું છે, “પી.પી.સવાણી ગ્રુપ અને જાનવી લેબગ્રો ગ્રુપ આયોજિત તા. 24 અને 25 ડીસેમ્બર 2022ના રોજ ધામધૂમથી વ્હાલી દીકરીઓને પરણાવી સાસરે વળાવતો ભવ્ય પ્રસંગ “દીકરી જગત જનની” યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત હાલ તા. 09-01-2023ના રોજ દીકરી-કુમારોનું પ્રથમગ્રુપ મનાલી પ્રવાસે રવાના કરવામાં આવ્યું.”

તેમણે આગળ લખ્યું છે કે, “સવારે 12.30 કલાકે મિતુલ ફાર્મ, પ્રાણી સંગ્રાહલયની પાછળ દીકરી-જમાઈઓ એક સાથે એકત્ર કરી મહેશભાઈ દ્વારા પ્રવાસ દરમિયાનનું સીડ્યુલ તેમજ આયોજનની સમજુતી આપવામાં આવી.. ત્યાર બાદ તમામ દીકરી-કુમારોને એક સરખા ટીશર્ટ પહેરી બપોરે 3.30 કલાકે રેલ્વે સ્ટેશન પહોચાડવામાં આવ્યા અને ત્યાંથી પશ્ચિમ એક્ષપ્રેસમાં બેસાડીને દીકરી – જમાઈઓને ખુશ ખુશાલ 12 દિવસ મનાલી જવા માટે રવાના કરવામાં આવ્યા હતા અને મનાલીમાં રહેવા(હોટલ) – જમવા તેમજ ફરવા જેવી દરેક વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી છે.

આ ઉપરાંત ફરવા માટે નીકળેલી દીકરીઓએ પણ આ પ્રવાસ અંગે વીડિયો શેર કરીને પોતાની ખુશી પણ વ્યક્ત કરતી જોવા મળી રહી છે. દીકરીઓ કહી રહી છે કે અમારા પપ્પાએ અમને બધાને ફરવા માટે મોકલ્યા છે અને અમને બહુ જ મજા આવી રહી છે. તમને જણાવી દઈએ કે પીપી સવાણી ગ્રુપ દ્વારા આ 12 દિવસના પ્રવાસમાં દીકરીઓ અને જમાઇઓને કોઈ અગવડ ના પડે તેનું સંપૂર્ણ ધ્યાન પણ રાખવામાં આવે છે અને તમામ વ્યવસ્થા પણ તેમના દ્વારા જ ઉભી કરવામાં આવે છે.

Niraj Patel