માતાજીના દર્શન કરવા ગયેલા પરિવારના 5 સભ્યોને કાળ ભરખી ગયો, એક જ પરિવારની પાંચ-પાંચ અર્થીઓ નીકળતા આખું ગામ હીબકે ચઢ્યું

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી છે, જેમાં ઘણા માસુમ લોકોના મોત નિપજ્યા છે, ઘણા એવા પણ કમકમાટી ભરેલા અકસ્માત સર્જાયા છે જેમાં આખા પરિવાર પણ હોમાઈ ગયો છે. ત્યારે હાલ એવી જ એક ખબર ધોળકા-બગોદરા હાઇવે ઉપર સર્જાયો છે, જેમાં એક જ પરિવારના 5 લોકોને કાળ ભરખી ગયો.

પ્રાપ્ત માહિતી અનુસાર માતરના વારસંગ-બરોડા ગામ ખાતે રહેતા બહાદુરભાઈ ઠાકોર તેમના અને ભાઈના પરિવારના સભ્યો સાથે બરવાળા મુકામે કુળદેવીના દર્શન માટે ઇકો ગાડી લઈને નીકળ્યા હતા. ત્યારે ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી નજીક વહેલી સવારે ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ પાંચ લોકોનાં મોત થયાં છે.

અકસ્માત બાદ ધોળકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને 108ને પણ જાણ કરવામાં આવી હતી, આ અકસ્માતમાં ઘાયલ થેલા લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે પણ આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જાયો ત્યારે ઇકો કારમાં ચાર બાળકો, પાંચ પુરુષો અને છ મહિલાઓ હતા જેમાંથી ત્રણ મહિલાઓ અને બે પુરુષોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

એક જ પરિવારના પાંચ લોકોનું નિધન થતા જ ગામમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો. એક સાથે જ એક જ પરિવારના પાંચ લોકોની અંતિમ યાત્રા નીકળવા સમયે પણ આખું ગામ હીબકે ચઢ્યું હતું. મૃતકોમાં બહાદુરભાઈ લાખાભાઈ ઠાકોર તેમના પત્ની હંસાબેન, ગાડી હાંકનાર તેમનો પુત્ર મહેન્દ્ર અને તેની પત્ની છાયાબેન તેમજ ઈજાગ્રસ્ત પ્રવિણભાઈના પત્ની કૈલાશબેન ઠાકોરનું કમકમાટીભર્યુ મોત થયુ.

તોય આ ગમખ્વાર અકસ્માતમાં ઇકો ગાડીની પાછળના ભાગે બેઠેલા પરિવારના અન્ય પાંચ લોકો અને ચાર બાળકોનો બચાવ થયો હતો. પાંચ લોકોને ધોળકાની ખાનગી હોસ્પિટલમાં અને જયારે 4 બાળકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

Niraj Patel