ધંધુકામાં માલધારી યુવકની જાહેરમાં હત્યા કરી દેવાના મામલામાં બંધનું એલાન, પોલીસની 7 ટીમો લાગશે તપાસમાં

ગુજરાતની અંદર છેલ્લા કેટલાય સમયથી હત્યાના બનાવો સામે આવી રહ્યા છે, અપરાધીઓ હવે બેફામ બની ગયા છે અને જાહેરમાં પણ કોઈની હત્યા કરતા અચકાતા નથી, ત્યારે હાલ એક એવી જ ઘટના ગત મંગળવારના રોજ ધંધુકામાં બનેલી જોવા મળી, જ્યાં એક માલધારી યુવકની જાહેરમાં જ બે ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ધંધુકાની અંદર ધોળા દિવસે જાહેરમાં જ કિશન ભરવાડ નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે ધંધુકા સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. આ હત્યા કેસની અંદર અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

પોલીસે આ મામલામાં અલગ અલગ 7 ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. આ કેસની અંદર હવે SOG, LCB અને લોકલ પોલીસ સહિત કુલ 7 ટીમો તપાસની અંદર લાગી ગઈ છે. આ સમગ્ર મામલાની તપાસ DYSP રિના રાઠવાના સુપરવિઝન હેઠળ થઇ રહી છે. ધંધુકામાં પણ કિશન ભરવાડની હત્યાનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેના પગલે જ ગઈકાલે સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

કિશન ભરવાડની હત્યાના કારણે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. લોકો વિરોધ કરવા માટે રસ્તા ઉપર પણ ઉતરી આવ્યા હતા અને કિશનના પરિવારને ન્યાય મળે તે માટે માંગણી પણ કરી રહ્યા હતા. આ મામલામાં પોલીસે સમાજના આગેવાનોની મદદ દ્વારા મામલો થાળે પાડ્યો હતો અને કિશનનો મૃતદેહ સ્વીકાર્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કિશનના અંતિમ સંસ્કાર કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

કિશન ભરવાડે એક મહિના પહેલા સોશિયલ મીડિયામાં એક ચોક્કસ સમાજના લોકો માટે વિવાદિત પોસ્ટ કરી હતી. જેના બાદ કિશનની ધરપકડ પણ કરવામાં આવી હતી અને અન્ય સમાજના લોકો સાથે મળીને સમાધાન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ઘટનાના થોડા દિવસ બાદ જ કિશનની ગોળી મારી અને હત્યા કરી દેવામાં આવી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપી શબ્બીર મુજબ 1 વર્ષ પહેલાં મૌલવીની સ્પીચ સાંભળી છે પછી તે તેને મળ્યો હતો. મૌલવી ઐયુબ જમાલપુરમાં જ રહે છે અને વધુ પૂછપરછ કરવામાં આવ્યું છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે તેની કટ્ટરવાદી માનસિકતા છે. રિમાન્ડ મેળવી ફન્ડિંગ તેમજ અગાઉ આવા કોઈ પ્રવૃત્તિ કરવામાં આવી અને લોકોના વિચાર બદલવા અંગેની તપાસ કરવામાં આવશે.

કિશન ભરવાડ કેસના આરોપી શબ્બીર ઉર્ફે સાબા ચોપડા અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણને ઝડપી લેવામાં આવ્યા છે. મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલાની અટકાયત કરવામા આવી છે. ધંધૂકામાં 25 જાન્યુઆરીએ કિશન ભરવાડની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. જેમાં હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપી શબ્બીરે ફાયરિંગ કર્યું હતું જ્યારે ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો.

તમને જણાવી દઈએ કે 6 જાન્યુઆરીએ કિશને ફેસબુક પોસ્ટ ધાર્મિક લાગણી દુભાય જાય એવી પોસ્ટ મુકાઈ હતી. જેની 9 તારીખે ફરિયાદ થઈ અને કાર્યવાહી થઈ હતી. ફેસબુક પરની પોસ્ટને ધ્યાનમાં રાખી આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે. આરોપી શબ્બીર કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે. મૌલવી જે કટ્ટરવાદી હોય તેના સંપર્કમાં હોય શકે. મુંબઈમાં મૌલવીને મળ્યો હતો. જેને અમદાવાદમાં જમાલપુરમાં ઐયુબ નામના મૌલવીને મળવા કહ્યું હતું.

ત્યારે હવે મૃતક કિશન ભરવાડના પરિવારજનોને મળવા માટે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ધંધુકા  આવી પહોંચ્યા હતા અને ત્યાં તેમને મૃતક કિશનને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. ત્યારે હર્ષ સંઘવી સાથે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ આવી પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ મૃતક કિશનના પરિવારજનો સાથે વાતચીત કરી હતી.

આ ઉપરાંત પૂર્વ સાંસદ શંભુપ્રસાદ ટૂંડિયા અને VHPના ગુજરાતના અધ્યક્ષ રણછોડ ભરવાડ પણ કિશનના ઘરે તેના પરિવારને મળવા માટે આવી પહોંચ્યા હતા. આ પહેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અનેક આગેવાનો ધંધૂકા મૃતકનાં પરિવારજનોને મળવા પહોંચ્યા હતા.

તેમને સમાજના આગેવાનો અને પરિવારજનોએ સાથે મીટિંગ પણ કરી હતી. અને જણાવ્યું હતું કે મૃતક યુવાન કિશને એક સમાજ માટે નહિ પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે. તેમનું બલિદાન એળે ના જાય એ માટે યુવાન અમર રહે એવા નારા પણ લગાવાયા હતા. આ ઉપરાંત ધંધુકામાં એક માર્ગ કિશનના નામે બનાવવામાં આવે અને તેનું સ્ટેચ્યુ પણ બનાવવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી છે.

Niraj Patel