દિલ્હીના CM કેજરીવાલે ED ઓફિસના લોકઅપમાં વિતાવી રાત, ધાબળો અને દવાઓ આપવામાં આવી

દિવસમાં હાઇકોર્ટનો ઝટકો અને રાત્રે ઉઠાવી ગઇ ED, લોકઅપમાં વિતાવી રાત, ધાબળો અને દવાઓ આપવામાં આવી- જુઓ તસવીરો

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની ગુરુવારે સાંજે કથિત દારૂ નીતિ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ પાર્ટીના હજારો કાર્યકરો અને સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષી નેતાઓએ પણ કેજરીવાલની ધરપકડની આકરી નિંદા કરી છે. ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે એટલે કે 22 માર્ચ શુક્રવારે સુનાવણી થઈ શકે છે.

EDના નવમાં સમન્સ પર હાજર ન થવા બદલ દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી છે. જો કે, ધરપકડ પહેલા તેમણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોર્ટે તેમને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. EDએ ગુરુવારે રાત્રે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની દારૂ કૌભાંડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી, પદ પર રહીને મુખ્યમંત્રીની ધરપકડનો આ પહેલો કિસ્સો છે.

AAPએ લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કેજરીવાલની ધરપકડ પર તીખી પ્રતિક્રિયા આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ED શુક્રવારે અહીંની કોર્ટમાં મુખ્યમંત્રીને રજૂ કરશે અને પૂછપરછ માટે તેમની કસ્ટડી માંગશે. EDના અધિકારીઓ દ્વારા કેજરીવાલની ધરપકડ દરમિયાન, RAF અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનો ઉપરાંત દિલ્હી પોલીસના વધારાના દળોને મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનની આસપાસ તૈનાત કરવામાં આવ્યા હતા.

AAP સમર્થકો અને નેતાઓ મોટી સંખ્યામાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન પાસે એકઠા થયા હતા અને EDની કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કેજરીવાલે આ કેસમાં કોઈ હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. કેજરીવાલની 21 માર્ચે સાંજે ED દ્વારા સીએમ આવાસથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ કેજરીવાલને ED ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. RML હોસ્પિટલથી પહોંચેલી ડોક્ટરોની ટીમે તેમની મેડિકલ તપાસ કરી હતી.

એવું કહેવામાં આવી રહ્યુ છે કે આજે રાહુલ ગાંધી કેજરીવાલના પરિવારને મળવા માટે સવારે 10 વાગ્યે જઈ શકે છે. કેજરીવાલે ED લોકઅપમાં રાત વિતાવી અને આજે AAP કેજરીવાલની ધરપકડનો મોટાપાયે વિરોધ કરશે. આજે કેજરીવાલને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઇડી કેજરીવાલના રિમાન્ડ મેળવવા પ્રયાસો કરશે. દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે કેજરીવાલ દિલ્હીના સીએમ જ રહેશે, જેલમાંથી સરકાર ચલાવશે.

કેજરીવાલની કાનૂની ટીમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. ગુરુવારે 21 માર્ચે બપોરે 2.30 વાગ્યે હાઈકોર્ટે દિલ્હીના સીએમની ધરપકડ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી. EDની ટીમ 7 વાગ્યે 10માં સમન સાથે અને સર્ચ વોરંટ સાથે કેજરીવાલના ઘરે (CM હાઉસ) પહોંચી હતી. તપાસ એજન્સીએ તેમની અટકાયત કરી અને બે કલાક પૂછપરછ કરી. આ પછી રાત્રે 9 વાગ્યે તેમની ધરપકડ કરવામાં આવી.

આ દરમિયાન સીએમ આવાસની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. RAFની અનેક ટીમો હાજર હતી. રાત્રે 11:05 વાગ્યાની આસપાસ EDની ટીમ અરવિંદ કેજરીવાલને કારમાં ED ઓફિસ લઈ ગઈ અને રાત્રે 11:50 વાગ્યે કેજરીવાલને ED હેડક્વાર્ટરમાં લાવવામાં આવ્યા. રાત્રે 12 વાગ્યા પછી RML હોસ્પિટલના ડોક્ટરોની ટીમ કેજરીવાલનું મેડિકલ કરવા ED ઓફિસ પહોંતી, અરવિંદ કેજરીવાલે ED ઓફિસના લોકઅપમાં રાત વિતાવી, જ્યાં તેમને દવાઓ અને ધાબળો આપવામાં આવ્યો.

Shah Jina