લૈંડસ્લાઇડથી તબાહ થયુ વાયનાડ, અત્યાર સુધી 300થી પણ વધારે મોત…લાશો મળવાનું ચોથા દિવસે પણ જારી- જુઓ તસવીરો

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને ત્રણ દિવસ વીતી ગયા છે, પરંતુ આજે ચોથા દિવસે પણ કાટમાળમાંથી મૃતદેહો નીકળવાનું ચાલુ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 308 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જો કે, બચાવ કાર્યમાં લાગેલા બચાવકર્મીઓને અત્યાર સુધીમાં માત્ર 195 મૃતદેહો જ મળ્યા છે. બાકીના લોકોના મૃત્યુની પુષ્ટિ તેમના શરીરના અંગો પરથી કરવામાં આવી છે એટલે કે 105 લોકોના મૃતદેહોના કેટલાક અંશ જ મળી આવ્યા છે, જેના કારણે તેમના મૃત્યુની પુષ્ટિ થઈ છે.

જણાવી દઈએ કે આર્મી, નેવી અને એરફોર્સની 40 ટીમ લોકોને બચાવવામાં લાગેલી છે. રેસ્ક્યુ ઓપરેશનને અસરકારક બનાવવા માટે સર્ચ એરિયાને 6 અલગ-અલગ ભાગમાં વહેંચવાની વાત ચાલી રહી છે. આમાંથી પહેલુ ક્ષેત્ર અટ્ટામાલા અને આરણમાલાથી બનેલ છે. બીજો વિસ્તાર મુંડકઈ, ત્રીજો વિસ્તાર પુંજરીમટ્ટમ, ચોથો વિસ્તાર વેલ્લરમાલા વિલેજ રોડ, પાંચમો વિસ્તાર જીવીએચએસએસ વેલ્લરમાલા અને છઠ્ઠો વિસ્તાર નદીનો બહાવ ક્ષેત્ર છે.

ત્રણેય સેનાઓ સિવાય NDRF, DSG અને MEGની સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશનમાં લાગેલી છે. દરેક ટીમ સાથે ત્રણ સ્થાનિક લોકો અને વન વિભાગના એક કર્મચારીનો પણ સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત ચલીયાર નદીની આસપાસના 8 પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ અને તરવામાં પારંગત લોકોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હેલિકોપ્ટર દ્વારા પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

કોસ્ટગાર્ડ અને નેવીની સાથે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ પણ તે જગ્યાએ શોધવા જઇ રહ્યા છે, જ્યાં લાશોના તરીને આવવાની સંભાવના છે. સેનાએ આ દુર્ઘટના બાદ જે બેલી બ્રિજ બનાવ્યો છે, તેનાથી 25 એમ્બ્યુલન્સ મુંડકઇ પહોંચાડવામાં આવશે. માટીમાં દટાયેલા મૃતદેહોને શોધવા માટે શનિવારે દિલ્હીથી ડ્રોન આધારિત રડાર પહોંચશે. સર્ચ ઓપરેશનમાં 6 શ્વાનની પણ મદદ લેવામાં આવી રહી છે. આજે તમિલનાડુથી વધુ 4 શ્વાન લાવવામાં આવશે.

જણાવી દઈએ કે વાયનાડમાં 30 જુલાઈના રોજ સવારે લગભગ 2 વાગ્યે ભૂસ્ખલન થયું હતું. આ પછી સવારે લગભગ 4.10 વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. આ સાથે ત્રીજી વખત ફરીથી ભૂસ્ખલન થયું. ભૂસ્ખલનથી વાયનાડના ચાર ગામ કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયા, જેમાંથી લોકોને બચાવવા માટે સતત બચાવ કાર્ય ચાલી રહ્યું છે. બચાવ કામગીરીની પ્રગતિ સાથે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

Shah Jina