4 વર્ષના બાળકોને શરદી-ખાંસી દરમિયાન આપવામાં આવતી આ દવાઓ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ, જાણો નવા આદેશ
Anti-Cold Cocktail Medicine Ban: ભારતના દવા નિયામક DCGI એ 4 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો માટે શરદી અને ખાંસી માટે ઉપયોગમાં લેવાતી સિરપના ઉપયોગ પર રોક લગાવતા ચેતવણી જારી કરી છે. DCGIએ 18 ડિસેમ્બરે બધા રાજ્યોને એક લેટર લખી બે દવાઓ ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફિનાઇલફ્રાઇનના કોકટેલના ઉપયોગ કરી બનાવવામાં આવેલ સિરપની પેકેજિંગ પર લેબલિંગ એ અનુસાર કરવાનું કહ્યુ છે.
4 વર્ષથી નાની ઉંમરના બાળકોને ન આપો આ કફ સિરપ
આ બંને દવાઓના મિશ્રણથી તૈયાર કરવામાં આવેલ સિરપ કે ગોળીઓનો ઉપયોગ સામાન્ય શરદીના લક્ષણોની સારવાર માટે કરવામાં આવે છે. આ પ્રતિબંધ સિરપના ઉપયોગથી દુનિયાભરમાં 141 બાળકોના મોતને ધ્યાને રાખી લેવામાં આવ્યો છે. બધી ડ્રગ કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે આ બંને દવાઓના ઉપયોગથી તૈયાર સિરપની લેબલિંગ તરત જ અપડેટ કરવામાં આવે.
રાજ્યો માટે લખવામાં આવેલા લેટરમાં કહેવામાં આવ્યું છે કે, “ક્લોરફેનિરામાઇન મેલેટ આઇપી 2mg + ફિનાઇલફ્રાઇન એચસીઆઇ આઇપી 5mg ડ્રોપ/એમએલના ફિક્સ ડોઝ કેમ્બિનેશનને પ્રોફેસર કોકાટેની સમિતિ દ્વારા તર્કસંગત ઘોષિત કરવામાં આવ્યું છે અને સમિતિની ભલામણના આધારે આ પર કાર્યાલયે 18 મહિનાના નીતિગત નિર્ણયના અંતર્ગત 17 જુલાઈ 2015ના રોજ વિષય FDCના સતત ઉત્પાદન અને માર્કેટિંગ માટેનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) જારી કરવામાં આવ્યું છે.”
DCGIએ દવાની કંપનીઓને જારી કરી ચેતવણી
લેટરમાં વધુમાં જણાવાયું છે કે બાળકો માટે અસ્વીકૃત એન્ટી-કોલ્ડ ડ્રગ ફોર્મ્યુલેશનને વધારો આપ્યા બાદ ચિંતાઓ સામે આવી રહી છે. આ બાબતે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. વિષય નિષ્ણાત સમિતિ (SEC- પલ્મોનરી) ની બેઠક 6 જૂન 2023ના રોજ મળી હતી જેમાં FDC તરીકે ક્લોરફેનિરામાઇન મેલેટ IP 2mg + Phenylephrine HCl IP 5mg Drop/ml ના ઉપયોગ અંગેના મુદ્દાને ધ્યાનમાં રાખીને સમિતિ સમક્ષ ચર્ચા કરવામાં આવી હતી.
લેટરમાં કહેવામાં આવ્યુ છે કે સમિતિએ સિફારિશ કરી છે કે FDCનો ઉપયોગ 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં થવો જોઈએ નહીં અને તે મુજબ કંપનીઓએ લેબલ્સ અને પેકેજ ઇન્સર્ટ પર આ સંદર્ભમાં ચેતવણીઓનો ઉલ્લેખ કરવો જોઈએ.