તારક મહેતામાં બીજા બાળકના જન્મ પછી થશે દયાબેનની વાપસી? જેઠાલાલે જુઓ શું કર્યું

ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. લોકો દરેકે દરેક પાત્રને પ્રેમ કરે છે. આ શો છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. ત્યારે શોમાં દયાબેનની વાપસીને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી ચાહકોમાં ભારે ઉત્તેજના છે. હાલમાં જ દયાબેનના શોમાં વાપસીના સમાચાર ખૂબ હેડલાઇન્સ બનાવી રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તાજેતરના એપિસોડમાં દયાની વાપસીની ઝલક જોવા મળી છે. જેમાં જેઠાલાલ કહેતા જોઈ શકાય છે કે દયા ટૂંક સમયમાં ગોકુલધામ સોસાયટીમાં જોવા મળશે.

શોએ આની સત્તાવાર જાહેરાત કરી દીધી છે પરંતુ હવે જોવાનું એ રહશે કે દયાબેન તરીકે કોણ પરત ફરે છે. દયાબેનનું પાત્ર નિભાવતી દિશા વાકાણી 2017થી મેટરનીટી લિવ પર ગઇ હતી અને ત્યારથી તે હજી સુધી શોમાં પરત આવી નથી. જો કે મેકર્સે હજુ પણ દર્શકોને શો સાથે જોડાયેલા રાખ્યા છે. હવે મેકર્સે દયા શોમાં પાછી આવી છે તેવી જાણ કર્યા પછી ચાહકો તેમની ઉત્તેજના પર કાબૂ મેળવી શકતા નથી. દિશા વાકાણીની વાપસીની ખબરો વચ્ચે ચેનલે એક નવો પ્રોમો રજૂ કર્યો છે જે સંકેત આપે છે કે આ આગામી એપિસોડમાં દયાબેન શોમાં જોવા મળશે.

નવા પ્રોમોમાં, મયુર વાકાણી ઉર્ફે સુંદર બધાને કહેતો જોઈ શકાય છે કે દયાબેન દુકાનની ઓપનિંગ સેરેમની માટે મુંબઈ આવશે. જેઠાલાલ પત્ની દયાના ગોકુલધામ સોસાયટીમાં પાછા ફરવાના સમાચાર વિશે જાણીને ખૂબ જ ખુશ છે. દયા વિશે જાણ થતાં સોસાયટીના અન્ય સભ્યો પણ ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે જેઠાલાલને સુંદરલાલનો ફોન આવે છે અને તે કહે છે કે દયા પાછી આવશે. આ સાંભળીને જેઠાલાલ આનંદથી ઉછળી પડે છે. જેઠાલાલની દુકાનનું રિપેરિંગ કામ ખત્મ થઇ ગયુ છે અને હવે દુકાનનું ફરી ઓપનિંગ થવાનું છે ત્યાં આ પ્રસંગે દયા પણ પરત ફરવા જઈ રહી છે.

જેઠાલાલ આ વાત ગોકુલધામના રહેવાસીઓને કહે છે. આ સાંભળીને બધા ખૂબ ખુશ થઈ જાય છે અને ગરબા કરવા લાગે છે. પરંતુ શોમાં દયાબેન તરીકે કોણ જોવા મળશે તે હજુ જાહેર થયું નથી. થોડા દિવસો પહેલા જ્યારે શોના નિર્માતા અસિત કુમાર મોદીને દયાબેનના શોમાં પાછા આવવા વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે ‘દયાબેનને શોમાં પાછા ન લાવવાનું કોઈ કારણ નથી’. અમે ફક્ત એક સારી તકની રાહ જોઈ રહ્યા છીએ જેના પર દયાબેનનું પાત્ર શોમાં પાછું લાવી શકાય. આ શોની એક ઝલક જોઈને ચાહકો તરફથી અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@disha.vakani)

તેઓ કોમેન્ટ કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે ‘જો આ ખોટુ હશે તો અમે શો જોવાનું બંધ કરી દઈશું.’ જ્યારે એકે લખ્યું કે ‘જો તમારે ખરેખર આવવું હોય તો આવો નહીંતર જનતાની ભાવનાઓ સાથે રમત ન રમો.’ એકે કોમેન્ટ કરતાં લખ્યું કે ‘આ લોકો જનતાને મૂર્ખ બનાવવા આવ્યા છે.’

તમને જણાવી દઈએ કે, દિશા વાકાણી અને તેના પતિએ તાજેતરમાં જ બીજા બાળકનું સ્વાગત કર્યું છે. બીજા બાળકની માતા બનેલી અભિનેત્રી દિશાએ હજુ સુધી તેના નવજાત બાળકનું નામ જાહેર કર્યું નથી. તેના ભાઈ મયુર વાકાણીએ ભત્રીજાના જન્મની પુષ્ટિ કરી હતી. દિશા પહેલેથી જ ચાર વર્ષની પુત્રીની માતા છે.

Shah Jina