ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આધેડ અને વૃદ્ધની સાથે સાથે યુવાઓ અને કિશોરો પણ હાર્ટ એટેકના કારણે મોતને ભેટી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. ત્યારે હાલમાં ઉનાળાની ઋતુમાં ગરમી વધવાની સાથે સાથે પણ હાર્ટ એટેકથી મોતના કિસ્સા વધી રહ્યા છે. હાલમાં વડોદરાના ડભોઈમાંથી એક યુવકનું હાર્ટએટેકથી મોત થયુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
જૈન વાગામાં રહેતા 38 વર્ષિય જતીન જૈનનું ગઈકાલે રાત્રે છાતીમાં દુખાવા થયા બાદ મોત થયું હતુ. એવું સામે આવ્યુ છે કે મૃતકને કોઇ જાતની બીમારી નહોતી, ત્યારે યુવાન દીકરાના મોતને પગલે પરિવારમાં ગમગીની છવાઈ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા મોરબીના ટંકારાના વાધગઢ ગામે એક વ્યક્તિ રાત્રે ઉંઘ્યા બાદ સવારે ઉઠ્યા જ નહિ. આ પછી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.
જણાવી દઇએ કે, લાઇફસ્ટાઇલ અને ખાવાની ટેવ હૃદયના સ્વાસ્થ્યને અસર કરે છે અને તેને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. હાર્ટ એટેક જેવા ઘણા રોગો ખતરનાક અને જીવલેણ હોય છે. જેનાથી બચવા સૌથી મહત્વની બાબત દિનચર્યામાં સુધારો કરવાની છે. આ ઉપરાંત શરૂઆતમાં જ હાર્ટ એટેકને ઓળખવામાં સક્ષમ થવું એ પણ મહત્વની બાબત છે.