બિપરજોય વાવાઝોડાના કારણે પાણી પાણી થયું આખું રાજસ્થાન, સામે આવ્યા રૂંવાડા ઉભા કરી દેનારા દૃશ્યો, જુઓ

Cyclone Biparjoy Effect Rajasthan : બિપરજોય વાવાઝોડું ગુજરાતમાં ટકરાયું અને ઘણો વિનાશ વેરીને ગયું, ગુજરાત બાદ આ વાવાઝોડું રાજસ્થાનમાં પહોંચ્યું હતું અને ત્યાં પણ તેને ભયંકર વિનાશ વેર્યો છે. રાજસ્થાનના ઘણા ક્ષેત્રો પાણી પાણી થઇ ગયા છે.  રાજસ્થાનમાં મંગળવારે પણ વરસાદ ચાલુ રહેશે. આ દરમિયાન 13 જિલ્લામાં હળવાથી મધ્યમથી ભારે વરસાદ પડશે.

આ સંદર્ભમાં હવામાન કેન્દ્ર જયપુરે થોડા સમય પહેલા એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ધોલપુરમાં ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરીને લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. જ્યારે અન્ય 12 જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

બિપરજોયની અસર દક્ષિણ રાજસ્થાનમાં જોવા મળી રહી છે. રાજસ્થાનના જાલોર, બાડમેર, સિરોહી, બિકાનેર અને ઉદયપુરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અજમેરમાં છેલ્લા 24 કલાકમાં 150 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે અત્યાર સુધીમાં વિવિધ અકસ્માતોમાં આઠ લોકોના મોત થયા છે.આશરે એક હજાર ગામોમાં વીજળીની કટોકટી યથાવત છે.

21 જૂને પૂર્વ રાજસ્થાનના જયપુર, અજમેર, કોટા, ભરતપુર, ઉદયપુર ડિવિઝનમાં ભારે વરસાદ પડશે. જોધપુર અને બિકાનેર ડિવિઝનમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ઝાલાવાડ, કોટા અને બારન જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે.

એસડીઆરએફ કમાન્ડન્ટ રાજકુમાર ગુપ્તાએ જણાવ્યું કે બિપરજોય વાવાઝોડાને જોતા, જાલોર જિલ્લાના ભીનમાલ નગરના પૂર પ્રભાવિત ઓડ બસ્તીમાં ફસાયેલા કુલ 39 લોકોને SDRF ટીમ દ્વારા સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે બાડમેર જિલ્લાના ધૌરીમન્ના નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે તેમના ઘરોમાં ફસાયેલા 20 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે.

Niraj Patel