અમદાવાદ એર ઇન્ડિયા પેસેન્જર પ્લેન ક્રેશ પર વિરાટ કોહલી થયો ભાવુક…હાર્દિક પંડ્યા-રોહિત શર્મા-ક્રુણાલ પંડ્યા સહિત અનેકનું તૂટ્યુ દિલ

ગુરુવાર 12 જૂનના રોજ બપોરે અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ. અમદાવાદથી લંડન જતુ એર ઈન્ડિયાનું એક મોટું વિમાન ટેકઓફની થોડી જ સેકન્ડમાં ક્રેશ થઇ ગયું. વિમાનમાં પાઈલટ અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકો સવાર હતા. તેમાંથી 50 થી વધુ બ્રિટિશ નાગરિકો હતા. આ ઉપરાંત, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા, જેમનું આ દુખદ ઘટનામાં મોત થયુ છે.

એવું કહેવામાં આવી રહ્યુ છે પ્લેનમાં સવાર બધા લોકોમાંથી એક જ વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે. ત્યારે આ ઘટના પર રોહિત શર્મા અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સહિત ઘણા ક્રિકેટરો અને રમતગમતની હસ્તીઓએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી દુ:ખ વ્યક્ત કર્યુ.

આ હૃદયદ્રાવક ઘટના પછી વિરાટ કોહલીનું દુઃખ છલકાઈ ગયું. વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘આજે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના વિશે સાંભળીને આઘાત લાગ્યો. તમામ અસરગ્રસ્ત લોકો માટે પ્રાર્થના, તેમજ તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના.’

બીજી તરફ, ભારતની ODI ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ પોસ્ટ કરી છે. રોહિત શર્માએ લખ્યું, ‘અમદાવાદથી ખૂબ જ દુઃખદ અને ખલેલ પહોંચાડનારા સમાચાર.’ આ ઘટનામાં માર્યા ગયેલા લોકો અને તેમના પરિવારો માટે મારી પ્રાર્થના.’

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. ગંભીરે X પર લખ્યું, ‘અમદાવાદમાં થયેલા દુ:ખદ અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. અમારી સંવેદના અને પ્રાર્થનાઓ આ દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો સાથે છે.’

આ અકસ્માત અંગે, ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે X પર લખ્યું, ‘આજે અમદાવાદમાં જે બન્યું તે દુઃખદ છે અને હું તેનાથી ખૂબ જ દુઃખી છું. જીવન ખૂબ જ કિંમતી છે, આ ઘટનાથી પ્રભાવિત તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે. ઉપરાંત, ભગવાન તેમના પરિવારો, મિત્રો અને પ્રિયજનોને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે.’

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે લખ્યું, ‘આ વિમાન દુર્ઘટના વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. આ ભયાનક ઘટનાથી પ્રભાવિત તમામ લોકો માટે મારી ઊંડી સંવેદના અને પ્રાર્થના.’

બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના કેપ્ટન હાર્દિક પંડ્યા પણ આ અકસ્માતના સમાચાર સાંભળીને આઘાત પામ્યા છે. હાર્દિક પંડ્યાએ X પર લખ્યું, ‘અમદાવાદમાં થયેલા અકસ્માત વિશે સાંભળીને હૃદય તૂટી ગયું. અસરગ્રસ્ત પરિવારો માટે પ્રાર્થના અને તેમને શક્તિ મળે તેવી પ્રાર્થના.’

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ આ અકસ્માત વિશે ખૂબ જ દુઃખી છે. સૌરવ ગાંગુલી X પર લખ્યું, ‘અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાથી મને ખૂબ જ દુઃખ થયું છે. મારી પ્રાર્થનાઓ અસરગ્રસ્ત પરિવારો અને પ્રિયજનો સાથે છે. ભગવાન આ દુઃખની ઘડીમાં તેમને શક્તિ આપે.’

જણાવી દઇએ કે, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) આ અકસ્માતની તપાસ કરશે. એક અધિકારીએ સમાચાર એજન્સી PTI ને આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું હતું કે AAIB ના ડિરેક્ટર જનરલ અને એજન્સીના ડિરેક્ટર ઓફ ઇન્વેસ્ટિગેશન સહિત અન્ય લોકો અમદાવાદ જવા રવાના થશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ AAIB, ભારતીય હવાઈ ક્ષેત્રમાં કાર્યરત વિમાનોની સલામતી સંબંધિત ઘટનાઓને અકસ્માતો અને ગંભીર ઘટનાઓમાં વર્ગીકૃત કરવા માટે જવાબદાર છે. તે અકસ્માતોની વિગતવાર તપાસ કરે છે અને સલામતી સુધારવા માટે વિવિધ પગલાં પણ સૂચવે છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!