મહેસાણામાં વિફરેલા ઢોરે મચાવ્યો જબરદસ્ત આતંક, ચાર લોકોને લીધા અડફેટે, એક યુવકને તો રસ્તા વચ્ચે છૂંદી નાખ્યો, જુઓ વીડિયો

Cow Took Mehsana On Her Head : ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો આતંક સતત જોવા મળી રહ્યો છે. સરકાર સામે આ મુદ્દે ઘણીવાર રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા, ઘણા લોકો આ રખડતા ઢોરની ચપેટમાં આવતા હોય છે અને ઈજાગ્રસ્ત પણ થતા હોય છે. તો ઘણીવાર રખડતા ઢોર કોઈ વાહન ચાલકનો જીવ પણ લઇ લેતા હોય છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક રખડતા ઢોરે 4 લોકોને અડફેટે લીધા હતા.

4 લોકોને ગાયે અડફેટે લીધા :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે સાંજે શહેરના શોભાસણ રોડ પર આવેલા સાહિલ ટાઉનશીપ નજીકમાં એક રખડતી ગાયે આતંક મચાવ્યો હતો. જેમાં એક યુવકને પહેલા ખુબ જ દોડાવ્યો અને પછી યુવક ઝપેટમાં આવી જતા તેને શીંગડે ચઢાવ્યો હતો. આ ઉપરાંત ચાર અન્ય લોકોને ગંભીર ઈજાઓ પહોંચવી હતી. જયારે એક યુવકને તો એટલો રગદોળી નાખ્યો કે તેની સ્થિતિ ખુબ જ ગંભીર બની ગઈ છે, આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ.

1 મિનિટ સુધી યુવકને કચડ્યો :

સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સાહિલ ટાઈનશીપમાં ગાય એક વ્યક્તિની પાછળ ભાગી રહી છે. યુવક પણ પોતાનો જીવ બચાવવા દોડી રહ્યો છે, પરંતુ ગાય તેનો પીછો છોડવા માટે તૈયાર નથી અને ગમે તેમ કરી એક ખુલ્લા ચોકમાં પહોંચતા જ યુવક ઝડપાઇ જતા તેને શીંગડે ચઢાવીને જમીન પર પછાડે છે. જેના બાદ તેને પગથી કચડે છે, સતત 1 મિનિટ સુધી ગાય આ યુવકને પોતાના પગથી કચડતી જોવા મળી રહી છે.

રીક્ષા ચાલકે બચાવ્યો જીવ :

જેના બાદ આસપાસ ઉભેલા લોકો પણ યુવકની મદદ કરવા માટે લાકડીઓ લઈને નજીક આવતા જોવા મળે છે, પરંતુ ગાય તેમનાથી ડરતી નથી અને બચાવવા આવેલા લોકોએ પીછેહઠ કરવી પડે છે. આ દરમિયાન યુવક ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ગાય પાછો તેને દબોચી લે છે. આ દરમિયાન એક રીક્ષા ચાલકે બુદ્ધિ વાપરી યુવકની નજીક રીક્ષા લઇ જઈને તેને તેમાં બેસાડી દીધો. ગાયે રિક્ષાને પણ ગોથા માર્યા પરંતુ રીક્ષા ચાલકની સુઝબુઝના કારણે યુવકનો જીવ બચી ગયો, હાલ યુવકને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.

Niraj Patel