અમદાવાદમાં ગાય માતા પહેલા માળે ચઢી, પછી નીચે કૂદી ગઈ, વીડિયો આવી ગયો સામે

ગુજરાતમાંથી અવાર નવાર રખડતા ઢોરના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણીવાર કોઇ વ્યક્તિને અડફેટે લઇ રખડતા ઢોર તેમને ગંભીર ઇજા પહોંચવતા હોય છે, તો ઘણીવાર રખડતા ઢોરને કારણે કોઇના મોત પણ નિપજતા હોય છે. ત્યારે રાજ્યમાં રખડતાં ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે અને ઢોરોને પાંજરે પુરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે.

ત્યારે ઢોર પકડ પાર્ટી તરફથી શહેરના રસ્તાઓ પર રખડતા ઢોરને પકડીને પાંજરે પુરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે હવે અમદાવાદમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો. જેમાં ઢોર પાર્ટીથી ડરીને એક ગાય મકાનના પહેલા માળ સુધી પહોંચી ગઈ અને પછી ડરી ગયેલી ગાયે ત્યાંથી કૂદકો મારી દીધો. અમદાવાદના ગોમતીપુરમાંથી આ બનાવ સામે આવ્યો છે. આ દરમિયાનનો વીડિયો પણ સામે સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે ગોમતીપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટીની ટીમે કાર્યવાહી કરી ત્યારે એક ગાય મકાનના પહેલા માળ સુધી પહોંચી ગઈ અને તેણે ડરીને મકાનના પહેલા માળેથી ભૂસકો માર્યો હતો. હકીકતમાં ગાયને કોઈ જગ્યા મળી ન હતી અને તેના માટે તે કૂદી ગઇ હતી. પહેલા માળેથી નીચે કૂદતા ગાયને પગ અને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જો કે, બાદમાં તેને સારવાર માટે ઢોરવાડામાં ખસેડવામાં આવી હતી.

આ ઉપરાંત બીજો એક બનાવ નિકોલમાં સામે આવ્યો હતો, જેમાં બાળકો સાથે દંપતી બાઈક પર જતું હતું ત્યારે અચાનક જ રસ્તામાં ગાય આવી જતાં બાળકી અને દંપતી રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં જેમાં પિતાને હાથના ભાગે અને નાની બાળકીને ઇજા થઈ હતી, જ્યારે માતા અને બાળકનો આબાદ બચાવ થયો હતો.હાઇકોર્ટની ઝાટકણી બાદ પહેલા દસે દિવસ 150 જેટલાં ઢોર પકડવામાં આવતા પરંતુ હવે સૌથી ઓછાં ઢોર પકડવામાં આવી રહ્યા છે. આને લઇને 21 ટીમો કાર્યરત કરવામાં આવી છે.

Shah Jina