ગુજરાતની કોકિલકંઠી કિંજલ દવે છેલ્લા કેટલાક સમયથી તેના લોકપ્રિય ગીત ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ને લઇને ચર્ચામાં છે, જેનો કેસ કોર્ટમાં કોપીરાઇટને લઇને ચાલી રહ્યો છે. જો કે, હવે સિંગર માટે સારા સમાચાર છે. કિંજલને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ચાર ચાર બંગડીવાળી ગીત મામલે જે કોર્ટ કેસ ચાલી રહ્યો હતો, તેમાં કિંજલ દવેની મોટી જીત થઈ છે.
સિવિલ કોર્ટમાં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ આ ગીત પર કૉપીરાઇટ ક્લેમ સાબિત કરી શક્યું નહીં અને એટલે કોર્ટે કિંજલ દવે સામે કરવામાં આવેલ કેસને રદ્દ કરી દીધો. આ ગીત પર જે રોક કોર્ટે લગાવી હતી તે પણ હટાવી દીધી છે એટલે કે હવે કિંજલ આ ગીતને ગાઇ શકે છે. જણાવી દઇએ કે, 20 ડિસેમ્બર 2016ના રોજ કિંજલ દવેએ ગાયેલું ‘ચાર ચાર બંગડી વાળી’ ગીત RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયું હતું.
તે બાદ આ ગીત ખૂબ જ લોકપ્રિય થયુ હતુ. જો કે, વર્ષ 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એવું કહેવામાં આવ્યુ કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી અને કાઠિયાવાડી કિંગ્સ નામની યુટ્યુબ ચેનલ પર 29 સપ્ટેમ્બર 2016ના રોજ ગીતને અપલોડ પણ કર્યું હતું. આ પછી કાર્તિકે કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને કિંજલ દવેને આ ગીત જાહેરમાં કોર્ટ દ્વારા ન ગાવાની સૂચના આપવામાં આવી.
પરંતુ કોર્ટના આ આદેશ સામે કિંજલ ગુજરાત હાઈકોર્ટ પહોંચી અને પછી વર્ષ 2019માં ગુજરાત હાઈકોર્ટે કિંજલ દવેને આ ગીત જાહેર કાર્યક્રમમાં ગાવાની છૂટ આપી હતી. તેમજ આ ગીત કોપીરાઈટ કેસમાં સપડાતા કિંજલ દવેએ કોર્ટમાં આ મામલે માફી પણ માંગી હતી. પરંતુ કોર્ટે માફી સ્વીકારી નહિ. કોર્ટે કહ્યું કે, કિંજલે હજારો લોકો સામે આ ગીત ગાયું અને પૈસા કમાવ્યા એટલે માફી યોગ્ય નથી. આ પછી કોર્ટે આ મામલે આકરું વલણ અપનાવ્યુ હતુ અને કિંજલ દવેને 7 દિવસની અંદર 1 લાખ રૂપિયા અરજદારને ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.
જો કે, હવે કોર્ટે કિંજલના તરફેણમાં ચુકાદો આપ્યો છે.કોર્ટે નોંધ્યું કે ગીતમાં અમુક જ શબ્દો સમાન છે એટલે કોર્ટે કિંજલ દવે તરફથી ચુકાદો આપતા 15 દિવસ સુધી ઓર્ડરના અમલીકરણ પર રોક લગાવી કારણ કે અરજદારે અપીલ કરવા રજૂઆત કરી હતી. જો કે, હજુ પણ 15 દિવસ કિંજલ દવે આ ગીત જાહેર મંચ પર ગાઈ શકશે નહીં.