બોટ હાલક ડોલક થતા આગળના પાણી ભરાયું, અસલી કારણ સામે આવ્યું, જાણો ફટાફટ

વડોદરા બોટ દુર્ઘટનામાં 18 લોકો સામે નોંધાયો ગુન્હો, કેપેસીટી કરતા વધારે બેસાડ્યા, લાઈફ જેકેટ પણ ના મળ્યા અને લાઈફ જ છીનવી લીધી

Complaint against 18 in Baroda boat accident : ગઈકાલે વડોદરામાં બનેલી બોટ દુર્ઘટના સાંભળીને કોઈનું પણ કાળજું કંપી ઉઠે, આંખ સામે એ ઘટનાના દૃશ્યો આવી જાય અને માસુમ બાળકોના પરિવારજનોનું હૈયાફાટ રુદન આપણી આંખોના પોપચાં પણ ભીના કરી નાખે.

આ કાળમુખી દુર્ઘટનામાં 12 માસુમ બાળકો સાથે 2 શિક્ષિકાઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ ઘટના બાદ હવે પોલીસ અને તંત્ર પણ જાગ્યું છે અને આ મામલે અત્યાર સુધી 18 લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે અને 3ની અટકાયત કરી છે.

મુખ્ય જવાબદાર ફરાર :

આ દુર્ઘટના પાછળ કોન્ટ્રાકટર પરેશ શાહ મુખ્ય જવાબદાર છે, જે આ ઘટના બાદથી જ ફરાર હોવાનું સામે આવ્યું છે. તો આ ઉપરાંત આ અમમળે મેસર્સ કોટીયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ અમમળે બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ 18 લોકો વિરુદ્ધ કલમ 304, 308, 337, 338, 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું એ છે કે આ લોકો વિરુદ્ધ કેવી કાર્યવાહી થાય છે.

કોને મળ્યો હતો કોન્ટ્રાકટ :

આ મામલે વડોદરા કોર્પોરેશનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા રાજેશ ચૌહાણે પોતાની ફરિયાદમાં હરણી પોલીસ સ્ટેશનમાં જણાવ્યું છે કે “હરણી લેકઝોન ખાતે 2017થી કામગીરીનો વર્કઓર્ડર મેસર્સ કોટિયા પ્રોજેક્ટને સોંપવામાં આવ્યો છે. જેમાં જુદી-જુદી રાઇડ્સ, ખાણી-પીણી, બેન્ક્વેટ હોલ અને બોટિંગ જેવી આનંદ પ્રમોદની સુવિધા આપવામાં આવેલ છે. જેની સંપૂર્ણ જવાબદારી મેસર્સ કોટિયા પ્રોજેક્ટની છે. ”

બોટના આગળના ભાગમાં પાણી ભરાયું :

તેમને વધુમાં એમ પણ જણાવ્યું કે, “ગઇકાલે આશરે સાંજના સાડા ચારેક વાગ્યે હરણી લેકઝોન ખાતે ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવ્યા હતા. જેમાંથી અંદાજે 25 જેટલા વિદ્યાર્થીઓ અને 4 જેટલા શિક્ષકો તળાવમાં નૌકાવિહાર કરતા હતા.

જેમાં અમારા જાણવા મુજબ બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડી બોટિંગ કરાવતા હતા. તેમાંથી કેટલાંક બાળકોને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બેસાડ્યા હતા. બાળકો અને શિક્ષકો બોટિંગ કરતાં હતાં તે દરમિયાન કોઇક કારણસર બોટ હાલક ડોલક થતાં આગળના ભાગેથી પાણી બોટમાં ભરાવવા લાગ્યું હતું.”

પોલીસ કરી રહી છે તપાસ :

તેમને એમ પણ જણાવ્યું કે “બાદમાં પાણીના કારણે વધુ હાલક ડોલક થતા સંતુલન ગુમાવી બોટ તળાવમાં પલટી ખાઇ ગઇ હતી. જેથી બોટમાં બેઠેલા તમામ લોકોની તળાવમાં ડૂબવાની ઘટના સામે આવી હતી.” ત્યારે હાલમાં દુર્ઘટનાને લઇ હરણી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને

આ બનાવને લઇ ત્વરિત તપાસ કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારે દસ દિવસમાં તમામ ઘટનાનો રિપોર્ટ આપવા જણાવ્યું છે. સાથે જ ઉચ્ચ અધિકારીઓ સહિતની નવ ટીમો બનાવી આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટની આગેવાનીમાં આ સમગ્ર કેસની તપાસ કરાશે.

Niraj Patel