પ્રિન્સિપાલ આપઘાત: ‘મારા પ્રિય જય, હું તમારા બધાની સૌથી મોટી ગુનેગાર છું, મારા બાળકોને સાચવજો’ જાણો વિગત

છોટાઉદેપુરના મહિલા પ્રિન્સિપાલ આત્મહત્યા કેસમાં થયો સૌથી મોટો ખુલાસો, આત્મહત્યાનું કારણ જાણીને દુઃખ પહોંચશે

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી મધ્યામિક શાળાના શૌચાલયમાં મહિલા પ્રિન્સિપાલે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે અને આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. પોલીસે 4 પાનાની સુસાઇડ નોટ પણ કબજે કરી હતી. હવે આ સુસાઇડ નોટની અંદર તેમને જે લખ્યું હતું તે સામે આવ્યું છે.

ભાવનાબેને લખેલી ચાર પાનાંની સુસાઇડ નોટમાં તેમને જણાવ્યું છે કે, “હું ડામોર ભાવનાબેન બાબુભાઈ મારા હોશમાં રહીને આ ચિઠ્ઠી લખું છું. મારી મોત પાછળ હું પોતે જવાબદાર છું. છેલ્લા કેટલાય મહિનાથી મારી માનસિક સ્થિતિ બહુ જ ખરાબ છે મારા વિચારો મારા કન્ટ્રોલમાં જ નથી રહેતા. હું હારી ગઈ છું. મેં ઘણી હિંમત કરી આગળ વધવા માટે પણ મારું મગજ એવું ગાડું થઈ ગયું છે કે મને મરવાની પરિસ્થિતિમાંથી બહાર જ નીકળવા નથી દેતું. ભગવાને મને બધુ જ આપ્યું છે જેમનો હું આભાર માનું છું.”

મારો જીવ મારા બે બાળકોમાં અને પતિમાં રહેશે. મારા પતિએ મને બધી રીતે સપોર્ટ કરી છે. બંને એક બીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. મને વિશ્વાસ છે કે મારા ગયા પછી મારા પતિ મારા બાળકોને દુઃખ નહી પડવા દે તે એમનું મારા કરતાં પણ ખૂબ સરસ રીતે ધ્યાન રાખે છે અને રાખશે. હું સૌ કોઈની માફી માગું છું જેમને મારાથી દુઃખ થયું હોય. હું મારા પપ્પાનું અભિમાન હતી પણ સોરી પપ્પા, મને માફ કરજો.

મારી પરિસ્થિતિ એટલી ખરાબ કે હું મારી લાગણીને શબ્દોમાં લખી પણ નથી શકતી. મારો અનુભવ કહું છું કે મરવાનું પણ સહેલું નથી. મારી સાસરીમાં મારે કોઈ દુઃખ નથી બધા મને સારી રીતે ખૂબ સાચવે છે. કોણ મા પોતાના બાળકોને મૂકી મરી જાય પણ મારાથી આ પગલું ભરાઈ જવાનું છે. લોકો મને શું કહેશે કેવી ગણશે એની પણ બીક લાગે છે. ભગવાનને પણ મને ઉપર જઈને જે સજા આપવી હશે તે આપશે.

આમ પણ હું ડાયાબિટીસ પેશન્ટ હોવાથી રોજ ચાર ઇન્જેક્શન લઉં ત્યારે તો જીવી રહી છું. કયાં સુધી આમ જીવવાનું હતું. મારા વ્હાલા મિત્રો અને સ્નેહીજનો પણ મારી ઓચિંતી વિદાય સ્વીકારશે નહીં પણ હું બધાની માફી માગું છું. શાળાના બધાં કાગળ બેગમાં હશે સહી સિક્કા સાથે. સાથી શિક્ષક મિત્રોને પણ કહ્યું છે કે મને માફ કરજો આ રીતે અડધામાં મારી કામગીરી અધૂરી મૂકીને જઉં છું. ચંપા ફોઈ, આશાફોઈ, કલા કાકી, વિરલમાસી, મારા પપ્પા, મારા બાળકોને સાચવવા લાગજો.

લખ્યા કરું તો પાના ભરાઈ જાય એમ છે. મને નહોતી ખબર હું મારી જીદંગીનો અંત આવી રીતે કરી દઈશ. અમુક લોકો માટે હું પ્રેરણાદાયક હતી પણ મારા આ પગલાંથી મારી જગ્યા બધાના દિલમાં શૂન્ય થઈ જશે. પોલીસ ટીમને પણ કહું છું કે મારા મોત પાછળ મારા પરિવારને જવાબદાર સમજી એમને હેરાન ન કરતાં.

મારું પોસ્ટમોર્ટમ કરવાની પણ જરૂર નથી. હું જાતે જ આ પગલું ભરુ છું. મને ગામડે લઈ જવાની કંઈ જરૂર નથી અહિયાં જ મારા અંતિમ સંસ્કાર કરી દેજો. માય લવ જય, મારા પતિ, હું તમારા બધાની સૌથી મોટી ગુનેગાર છું કે આમ અધવચ્ચે બધાને છોડીને જઉં છું. લવ યુ સો મચ. મારા બાળકને સાચવજો. લિ. ડામોર ભાવનાબેન બાબુભાઇ.

તમને જણાવી દઈએ કે અરવલ્લીના માલપુરમાં રહેતા ભાવનાબેન ડામોર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા સરકારી મધ્યામિક શાળાના પ્રિન્સિપાલ હતા. તેમના લગ્ન 10 વર્ષ પહેલા જયદીપ ડામોર સાથે થયા હતા. ભાવનાબેન ડામોરે ગઈકાલે સવારે શાળાના શૌચાલયમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્કૂલના શિક્ષકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ભાવનાબેન છેલ્લા 4 વર્ષથી કુકરદા ગામમાં જ રહેતા હતા.  પતિનું કહેવુ છે કે તેમના ઘરમાં કોઇ પણ સમસ્યા ન હતી અને પતિ-પત્ની વચ્ચે પણ કોઇ સમસ્યા ન હતી. પ્રિન્સિપાલ બન્યા બાદ મહિલા છેલ્લા ચાર મહિનાથી સ્ટ્રેસમાં રહેતી હતી.

Niraj Patel