4 ફેબ્રુઆરીથી ચંદન કોમામાં હતો, તેના પિતા યુક્રેનમાં જ છે, મમ્મી ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે

યુક્રેનમાં કીવ પછી હવે રશિયાએ યુક્રેનના બીજા મોટા શહેર ખારકીવમાં મોટાપાયે હુમલા અને તોપમારો શરુ કર્યો હોવાથી ભારતીય વિદેશ મિનિસ્ટ્રીએ થોડાક કલાકો પહેલા જ એક એડવાઈઝરી જારી કરીને ખારકીવમાં રહેલા તમામ ભારતીયોને વહેલી તકે શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ભારતીયોને ખારકીવ ખાલી કરવાની ચેતવણી મળતા જ શહેરમાં એક ક્રૂઝ મિસાઈલ ત્રાટકી હતી.

આજે સાતમા દિવસે ફોરેન મિનિસ્ટ્રી દ્વારા નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. એડવાઈઝરી મુજબ ખારકીવમાં હાજર તમામ ઇન્ડિયન્સને પોતાની સિક્યુરિટી માટે તાત્કાલિક ખારકીવ શહેર છોડીને જવું પડશે.વિદેશ મંત્રાલય દ્વારા બુધવારે સાંજે જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ખારકીવમાં સ્થિતિ ખુબ જ ખરાબ છે, તેથી ભારતના તમામ વિદ્યાર્થીઓ અને ત્યાં ફસાયેલા લોકોને તાત્કાલિક ખારકીવ શહેર છોડવાની સલાહ આપવામાં આવે છે.

રશિયાના હુમલા વચ્ચે હાલમાં યુક્રેનમાં છેલ્લા એક વીકથી ઇન્ડિયન સ્ટુડન્ટ ખુબ જ કપરા સમયનો સામનો કરી રહ્યા છે. મંગળવારે રશિયન હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. હવે થોડાક કલાક પહેલા સમાચાર મળ્યા કે વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. જોકે, પંજાબથી એમબીબીએસનો અભ્યાસ કરવા યુક્રેન ગયેલા વિદ્યાર્થીનું બીમારીના કારણે મોત થયું છે. 22 વર્ષીય ચંદન જિંદાલ વેસ્ટ-સેન્ટ્રલ યુક્રેનની વિન્નીત્સિયા નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં મેડિકલનું ભણતો હતો. જેનું બુધવારે સવારે નિધન થયું હતું.

મગજમાં લોહી ગંઠાઈ જવાના કારણે છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. ચંદન વિન્નીત્સિયા શહેરમાં આવેલી મેડિકલ યુનિવર્સિટીના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. પોતાના પુત્રની તબીયત ખરાબ થઈ હોવાના સમાચાર મળતા તેના પિતા શિશન કુમાર અને ભાઈ ક્રિશન ગોપાલ 7 ફેબ્રુઆરીએ યુક્રેન પહોંચ્યા હતા. જુવાન દીકરાના મૃત્યુ થતા જ પિતાની સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે. આ સમાચાર સાંભળીને માતા કિરણ તથા અન્ય પરિવાર પણ ખૂબ જ રડી રહ્યા છે. ​​​​​​​

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચંદનને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો ત્યારે ચંદનના મગજમાં લોહી ગંઠાઈ ગયું હોવાનું નિદાન થયું હતું. યુક્રેનના વેસ્ટર્ન તરફ શહેર આવ્યું હોવાના કારણે ક્રિશન ગોપાલ કોઈ પણ રીતે મંગળવારે ભારત પરત ફર્યા હતા. જ્યારે બર્નાલા સિવિલ હોસ્પિટલમાં મુખ્ય ફાર્માસિસ્ટ તરીકે તાજેતરમાં જ નિવૃત્ત થયેલા તેના પિતા શિશન કુમાર હજી પણ ત્યાં જ ફસાઈ ગયા છે.

મૃતકના ફેમિલી વાળા સરકાર પાસે તેમના પુત્ર ચંદનના મૃતદેહને પરત લાવવાની માંગ કરી રહ્યા છે. યુક્રેનથી પરત ફરેલા મૃતકના તાયા કૃષ્ણ કુમારે જણાવ્યું હતું કે તે રોમાનિયા બોર્ડરથી ઘણી મુશ્કેલી સાથે ભારત પરત ફર્યો હતો. યુક્રેનમાં ભારતીય દૂતાવાસ તરફથી કોઈ મદદ મળી નથી. જ્યારે રોમાનિયાથી ભારત લાવવામાં ભારત સરકારે મદદ કરી છે.

YC