ગુજરાતમાં જન્મેલા અને દુનિયાભરમાં નામ મેળવી ચૂકેલા દિગ્ગજ ઉદ્યોગપતિનું થયું નિધન, ટાટા ગ્રુપ સાથે હતું ખાસ કનેક્શન

93 વર્ષની ઉંમરમાં લીધા છેલ્લા શ્વાસ, ટાટા ગ્રુપ સાથે રહ્યો છે ખાસ સંબંધ, 2016માં પદ્મ ભૂષણ સન્માનિત દિગજ્જ બિઝનેસમેનનું થયું નિધન

આજે ઉદ્યોગજગતમાંથી એક ખુબ જ દુઃખદ ખબર સામે આવી છે. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિઓમાં જેની ગણતરી થતી હતી તેવા પલોનજી મિસ્ત્રી હવે નથી રહ્યા. પલોનજી મિસ્ત્રીનું સોમવારે રાત્રે 93 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું હતું. બાંધકામ ક્ષેત્રની સૌથી મોટી કંપનીઓમાંની એક શાપૂરજી પલોનજી ગ્રૂપના ચેરમેન પલોનજીને ભારતના સૌથી નામી અબજોપતિ કહેવાતા હતા. તે સાર્વજનિક મંચોથી અંતર રાખતા હતા. ઉદ્યોગ જગતમાં પલોનજીનું બહુ મોટું સન્માન હતું.

પલોનજી મિસ્ત્રીના નિધનના સમાચાર મળતા જ લોકો સોશિયલ મીડિયા પર તેમને યાદ કરવા લાગ્યા. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ ટ્વિટર પર પલોનજી મિસ્ત્રીને યાદ કર્યા. તેમણે લખ્યું, “પલોનજી મિસ્ત્રી…એક યુગનો અંત. તેમની પ્રતિભા અને નમ્રતાની સાક્ષી એ જીવનનો સૌથી મોટો આનંદ હતો. તેમના પરિવારના સભ્યો અને તેમને પ્રેમ કરનારાઓ પ્રત્યે મારી સંવેદના.”

તમને જણાવી દઈએ કે શાપૂરજી પલોનજી ગ્રુપ ભારતનું સૌથી મોટું બિઝનેસ ગ્રુપ છે. આ જૂથ એન્જિનિયરિંગથી લઈને બાંધકામ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિયલ એસ્ટેટ, પાણી, ઊર્જા, નાણાકીય સેવાઓ સહિતના ઘણા ક્ષેત્રોમાં કામ કરી રહ્યું છે. આ ગ્રુપમાં 50,000થી વધુ કર્મચારીઓ કામ કરે છે. આ ગ્રુપ 50 દેશોમાં અંતથી અંત સુધી ઉકેલો પ્રદાન કરે છે.

ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં પલોનજી પરિવારનો લગભગ 18.4 ટકા ભાગ હતો. શાપૂરજી પલોનજી ગ્રુપની સ્થાપના વર્ષ 1865માં કરવામાં આવી હતી. મુંબઈમાં શાપૂરજી પલોનજી ગ્રુપ દ્વારા ઘણા સીમાચિહ્નો બનાવવામાં આવ્યા છે, જેમાં ભારતીય રિઝર્વ બેંક, તાજમહેલ પેલેસ બિલ્ડિંગનો સમાવેશ થાય છે.

વર્ષ 2016માં ભારત સરકારે પલોનજીને વેપાર જગતમાં તેમના યોગદાન માટે ટોચના નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. ભારતના સૌથી જૂના ઉદ્યોગપતિઓમાંના એક પલોનજીનો જન્મ ગુજરાતમાં પારસી પરિવારમાં થયો હતો. પલોનજીને સૌથી અમીર પારસી માણસ પણ કહેવામાં આવતા હતા. તેમની પાસે આઇરિશ નાગરિકતા પણ હોવાથી તે આયર્લેન્ડના સૌથી ધનિક વ્યક્તિ હતા.

Niraj Patel