ખબર

સંસ્કારી નગરીમાં દારૂ પિવડાવીને સહકર્મચારીએ બળાત્કાર ગુજાર્યા બાદ વડોદરામાં કબ્બડી પ્લેયર યુવતીના આત્મહત્યા કેસમાં કોર્ટે લીધો મોટો નિર્ણય

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાંથી બળાત્કારના કેસો સામે આવી રહ્યા છે. આ કેસોમાં નોંધપાત્ર વધારો થવો એ ચિંતાનો વિષય પણ છે. ત્યારે ગત વર્ષે જૂન મહિનામાંથી વડોદરાના ઇલોરાપાર્કમાં વ્રજ વિહાર ફ્લેટમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી કબડ્ડી પ્લેયર યુવતિએ લક્ષ્મીપુરા ખાતે તેના પિતાના ઘરે જઇ ગળે ફાંસો ખાધો હોય તેવી વિગત સામે આવી હતી. જેમાં એવું સામે આવ્યુ હતુ કે મૃતક પર તેના સહકર્મચારી એવા બે મિત્રોમાંના એકે દારૂની મહેફિલ બાદ બળાત્કાર ગુજાર્યો હતો. આ વાતથી ડરી ગયેલી યુવતિએ આપઘાત કરી લીધો હતો અને તે બાદ પોલિસે આ મામલે તપાસ કરી બેની ધરપકડ પણ કરી હતી. જેમાં હવે મોટી અપડેટ સામે આવી છે.

સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલતા અદાલતે ધરપકડ કરાયેલ બંને આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે. ઘટનાની વિગત જોઇએ તો, કબડ્ડી પ્લેયર યુવતિ ઇલોરાપાર્કમા આવેલ વ્રજ વિહાર ફ્લેટમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી અને તે સમયે 6 મહિના પહેલા માતાનું નિધન થતા તે ત્યાં રહેવા ગઇ હતી. તે એક ખાનગી કંપનીમાં નોકરી પણ કરતી હતી. તેના પિતા લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા હતા. ત્યારે 8 જૂન 2020ના રોજ મૃતક પાસે એક યુવતિ આવી, તે બાદ તેની સાથે જે બે મિત્રો નોકરી કરતા તે દિશાંત કહાર અને નઝીમ મિરઝા મળવા આવ્યા.

તેઓ મળીને ગયા બાદ ફરીથી સાંજના પાંચેક વાગ્યા આસપાસ બંને આવ્યા અને ત્યારે દિશાંત દારૂની બોટલ લઇ ગયો હતો. જે બાદ તેમણે દારૂની મહેફિલ માણી. બંને છોકરાઓએ મૃતકને પણ દારૂ પીવડાવ્યો અને અડધા નશાની હાલતમાં દિશાંતે મૃતક પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લગાવાવમાં આવ્યો. જો કે યુવતિ જયારે ભાનમાં આવી ત્યારે તે ડઘાઇ ગઇ હતી અને પિતા જ્યાં રહેતા હતા ત્યાં લક્ષ્મીપુરા વિસ્તાર ખાતે પહોંચી હતી. મૃતકને તેના એક મિત્રએ આ અંગે પોલિસ ફરિયાદ કરવાની પણ સલાહ આપી હતી.

પરંતુ વાત સહન ન થતા તેણે પિતાના નિવાસસ્થાન ખાતે જ આપઘાત કરી લીધો હતો. જે બાદ બંને યુવકો દિશાંત અને નઝીમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલતો હતો. ત્યારે કોર્ટે હવે બંનેને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ બાબતે કોર્ટે કહ્યુ કે, જ્યારે કહેવાતો ગુનો બન્યો ત્યારે નજરે જોનાર કોઈ ન હતુ.

પાર્ટીમાં હાજર રહેલ સાક્ષી દેવીકા શિતોળે પણ ત્યાંથી જતી રહી હતી. કોર્ટે આગળ કહ્યુ કે, ઈલેક્ટ્રોનિક પુરાવા તેમજ FSLનો પુરાવો ફરીયાદ પક્ષના કેસને સમર્થન આપેલ નથી. મેડિકલ પુરાવા મુજબ ભોગ બનનારના શરીર ઉપર SMAGMA ની હાજરી મળેલ છે, જેથી મોતના નિકટ સમયમાં ભોગ બનનાર સાથે બળાત્કાર થયો હોય તેવું કહી શકાય નહિ. તેમણે એ પણ કહ્યુ હતુ કે, પીડિતા બ્રેઇન ટ્યુમરની બીમારીથી પિડાતી હતી.