સુરતમાં કાર ચાલકે લીધો અચાનક વળાંક, પાછળથી આવતો બાઈક ચાલક ધડામ દઈને કારમાં અથડાતા જ… જુઓ ઘટનાના લાઈવ વીડિયો

ગુજરાતમાં અકસ્માતની ઘણી ઘટનાઓ છેલ્લા થોડા સમયથી સામે આવી રહી છે, ઘણા અકસ્માત એવા પણ હોય છે જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે અને ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે, આવી ઘણી ઘટનાઓ આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ જાય છે અને તેના વીડિયો સામે આવતા જ લોકોની કમકમાટી પણ છૂટી જતી હોય છે.

હાલ સુરતમાંથી એક એવા જ અકસ્માતની ઘટના સામે આવી રહી છે, જેમાં એક કાર ચાલકે બેફિકરાઈથી વળાંક લેતા જ પાછળથી બાઈક લઈને આવતા બે લોકો ધડામ દઈને કાર સાથે અથડાયા હતા અને જમીન ઉપર પડી ગયા હતા. આ ઘટના ત્યાં રહેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ અને હાલ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના સુરતના જીલાણી બ્રિજ નજીક બની હતી. જેમાં એક કાર ચાલકની એક ભુલના કારણે પાછળથી આવી રહેલા બાઈક સવારો ગંભીર અકસ્માતનો ભોગ બની ઈજાગ્રસ્ત થયા હતા. વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે કાર ચાલકે અચાનક કારને બ્રેક મારી અને કોઈપણ જાતના સિગ્નલ આપ્યા વિના જ કારનો ટર્ન લઇ લીધો.

કાર ટર્ન લેતાની સાથે જ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે બાઈક સવાર પણ ફૂલ સ્પીડમાં પાછળથી આવી રહ્યા હતા અને તે કાર સાથે ધડામ દઈને અથડાય છે, તેમને બચાવવા માટે સ્થાનિક લોકો પણ દોડી આવે છે. આ અકસ્માતમાં બાઈક ઉપર બેઠેલા બંને લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ મામલે હવે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

બાઈક ઉપર આવી રહેલા બંને યુવકનું નામ કિશન ઉર્ફે ચિંતન રાઠોડ અને વિશાલ છે. જેમાં કિશન બાઈક ચલાવી રહ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કિશનને વધારે ઈજાઓ પહોંચી છે, તેને મોઢાના ભાગે વધારે વાગ્યું છે અને તે હાલ બેભાન છે. આ મામલામાં રાંદેર પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે અને અકસ્માત સર્જીને ભાગી ગયેલા કાર ચાલકને પકડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે.

Niraj Patel