કેનેડામાં ભારતીય દંપતી અને સગીર પુત્રીનું ઘરમાં આગમાં મૃત્યુ થયું, પોલિસ પણ હેરાન થઇ, જાણો સમગ્ર મામલો
કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. મૃતકોમાં ભારતીય મૂળના દંપતી અને તેમની સગીર પુત્રીનો સમાવેશ થાય છે. આ ઘટના 7 માર્ચે બની હતી, પરંતુ તેની જાણ શુક્રવારના રોજ થઈ. આ પરિવાર બ્રેમ્પટનના બિગ સ્કાય વે અને વેન કિર્ક ડ્રાઇવ વિસ્તારમાં રહેતો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, તપાસકર્તાઓએ કહ્યું કે તેઓ મૃતકોની સંખ્યાની જાણ નથી કરી શક્યા.
આ ઘટનાની જાણકારી પરિવારના એક પાડોશીએ આપી હતી જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, આગ બુઝાતા તેમને માનવ અવશેષો મળી આવ્યા હતા. પરિવારની ઓળખ રાજીવ વારિકૂ, તેની પત્ની શિલ્પા કોઠા અને દંપતિની 16 વર્ષની પુત્રી મહેક વારિકૂ તરીકે થઈ. સ્થાનિક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે પોલીસે હજુ સુધી આગનું કારણ જાણી શકી નથી. એવું કહેવાય છે કે ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં આગ લાગી હતી.
આગની જ્વાળાઓ વધતી જોઈ આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ બુઝાઈ ગયા પછી તપાસકર્તાઓને બળેલા ઘરની અંદરથી માનવ અવશેષો મળ્યા, પરંતુ તે સમયે માર્યા ગયેલા લોકોની સંખ્યા જાણી શકાઈ ન હતી. શુક્રવારે અવશેષોની ઓળખ પરિવારના ત્રણ સભ્યો તરીકે થઈ હતી. પરિવાર કાશ્મીરી પંડિત હતો. આગ લાગી ત્યારે ત્રણેય ઘરમાં હાજર હતા.
જો કે, પોલીસને આશ્ચર્ય છે કે આગ લાગ્યા બાદ પરિવારની ચીસો અને મદદ માટેના કોલ કેમ કોઈએ સાંભળ્યા નહીં. ઓન્ટારિયોના ફાયર માર્શલે કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આગ અચાનક નથી લાગી. આમાં એક ષડયંત્ર છે. આગમાં તમામ પુરાવા બળીને ખાખ થઈ ગયા હતા. પરંતુ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. મૃતક પરિવારના પાડોશીએ જણાવ્યું કે પરિવાર લગભગ 15 વર્ષથી રહેતો હતો. તેમણે તેમનામાં ક્યારેય કોઈ સમસ્યા જોઈ નથી.