ઉપલેટાના ઉદ્યોગપતિની મુંબઈની હોટલમાં હત્યા, વેઇટરે બરફ તોડવાના સોયા વડે આપ્યો ઘટનાને અંજામ

મુંબઈની હોટલમાં રોકાયેલા આહીર સમાજના અગ્રણીની વેઈટરે કરી હત્યા, બરફ કાપવાના છરાથી ઘા કર્યા

Upleta Businessman killed in Mumbai : ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે, જેમાં કેટલીકવાર અંગત અદાવતમાં તો કેટલીકવાર લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવતી હોવાનું સામે આવે છે. ત્યારે હાલમાં મુંબઈની હોટલમાં ઉપલેટાના આહીર અગ્રણી અને બિઝનેસમેનની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે, જે બાદ ચકચાર મચી ગઈ છે.

ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, હોટલના વેઈટરે જ બરફ તોડવાના સોયા વડે બિઝનેસમેનની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના ઉપલેટાના ઉદ્યોગપતિ અને આહીર સમાજના અગ્રણી કાળાભાઈ રામભાઈ સુવાનીની હત્યા મુંબઈની હોટલમાં થઇ છે. તેમના ચહેરા અને ગરદન પર અનેક ઘા મારવામાં આવ્યા છે અને તેમની રૂપિયાની બેગ અને સોનાના દાગીના જે પહેરેલા હતા તે ગુમ થયા હોવાનુ કહેવાઇ રહ્યુ છે.

મુંબઈ પોલીસે લૂંટના ઇરાદે હત્યા કરાઇ હોવાની આશંકા સેવી છે. જો કે, આ હત્યામાં હોટલના વેઈટરનો હાથ હોવાનું ખૂલ્યું છે. મુંબઈ નજીક થાણેના જંબલીનાકા વિસ્તારની પ્રિન્સ હોટલમાં બરફ કાપવાના સુયાથી લૂંટના ઇરાદે વેઈટર દ્વારા હત્યા કરાઇ હતી. ઉપલેટાના ખાખી જાળીયા ગામના અને વર્ષોથી ઉપલેટા ખાતે રહેતા અગ્રણી કાળાભાઈ કોઈ કારણોસર મુંબઈ ગયા હતા અને તેઓ થાણેની પ્રિન્સ હોટલમાં રોકાયા હતા.

ત્યારે રાતે 12 થી 12.30 વાગ્યાની આસપાસ તેમનો મૃતદેહ મળી આવ્યા બાદ મુંબઈ પોલીસ દોડતી થઈ ગઇ હતી. મુંબઈ પોલીસે તાત્કાલિક આ મામલે ગંભીરતા દાખવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને વેઈટરે જ બરફ કાપવાના છૂરાથી હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યુ. હતી. વેઈટરે કાળાભાઈના ચહેરા અને ગરદન પર 10થી વધારે ઘા ઝીંક્યા હતા. જો કે, હત્યા બાદ વેઈટર રોકડની બેગ, કિંમતી ઘડિયાળ અને સોનાની વીંટી લઈને ગાયબ થઈ ગયો હતો.

હાલ તો મુંબઇ પોલીસે વેઇટરની શોધખોળ હાથ ધરી છે અને તેનું લોકેશન જાણવા સહિતની તપાસ શરૂ કરી છે. હત્યાની ઘટનાની જાણ થયા બાદ કાળાભાઈના પરિવારજનો પાર્થિવ દેહ લેવા રવિવારે સવારે મુંબઈ પહોંચ્યા હતા અને તે બાદ ઉપલેટાના આહીર સમાજના નામાંકિત ઉદ્યોગપતિની અંતિમ યાત્રા નીકળી હતી. કાળાભાઈની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં આહીર સમાજના શહેર અને ગામના લોકો ઉમટી પડ્યા હતા.

Shah Jina