2 ફેબ્રુઆરીએ વહેલી સવારે ડાંગના સાપુતારાથી અઢી કિલોમીટર દૂર માલેગામ ફોરેસ્ટ ગેસ્ટહાઉસની સામેના ઘાટમાં 50 મુસાફર ભરેલી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી. આ અકસ્માતમાં મૃત્યુઆંક 6 એ પહોંચ્યો છે, જેમાં બસ ડ્રાઇવર પણ સામેલ છે. જ્યારે 40થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થવાને કારણે 21ને સારવાર માટે ડાંગની હોસ્પિટલમાં અને બીજાને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
ડાંગની હોસ્પિટલમાં દાખલ શાંતિબેન લોધાને વધુ સારવાર માટે 108 મારફતે સુરત લાવવામાં આવી રહ્યાં હતાં ત્યારે સુરત પહોંચે એ પહેલાં જ તેમનું મોત થઇ ગયુ. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને છ થઇ ગયો છે. હાલમાં પણ સુરત સિવિલ હોસ્પિટલમાં 25 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, જ્યારે ડાંગની હોસ્પિટલમાંથી તમામને રજા આપી દેવામાં આવી છે. મૃતકોમાં રતનલાલ દેવીરામ જાટવ (ડ્રાઈવર) ભોલારામ ફોસારામ કુશવાહ, બિજેન્દ્રસિંહ બાદલસિંહ યાદવ, ગુડ્ડીબેન રાજેશસિંહ યાદવ, કમલેશબાઈ બિરપાલસિંહ યાદવ અને શાંતિબેન લોધાનો સમાવેશ થાય છે.
મધ્યપ્રદેશથી (ગુના, શિવપુરી અને અશોકનગર) ચાર ખાનગી લક્ઝરી બસ ધાર્મિક પ્રવાસે મહારાષ્ટ્રના નાસિક (ત્ર્યંબકેશ્વર)થી ગુજરાતના દ્વારકા યાત્રાધામ તરફ જઈ રહી હતી ત્યારે 2 ફેબ્રુઆરીએ વહેલી સવારે 4:30થી 5:00 વાગ્યા આસપાસ બસ આહવાના સાપુતારા-માલેગામ ઘાટમાર્ગ પર 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી. અંધારા અને તીવ્ર ઠંડીના કારણે બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હોવાનું સામે આવ્યુ છે.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો ભુક્કો બોલાઇ ગયો હતો અને રસ્તા પર પ્રવાસીઓની ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ટીમ સહિત જિલ્લા પ્રશાસન પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યુ હતુ અને કાર્યવાહી શરૂ કરી હતી.