PAK ગોળીબારીમાં શહીદ BSFના જવાનનો પાર્થિવ દેહ પહોંચ્યો વતન, દીકરાએ કહ્યુ- ‘મને મારા પિતા પર ગર્વ છે…’ જુઓ તસવીરો

સુપુર્દ-એ-ખાક થયા શહીદ ઇમ્તિયાઝ, પાર્થિવ શરીર ગામ પહોંચતા જ ઉમટ્યા લોકો, નમ આંખે આપી અંતિમ વિદાય , દીકરાએ કહ્યુ- ‘પિતા પર ગર્વ છે…’ જુઓ તસવીરો

જમ્મુના આરએસપુરા સેક્ટરમાં સરહદ પારથી ગોળીબારમાં દેશની રક્ષા કરતી વખતે પોતાના જીવનું બલિદાન આપનારા બીએસએફ સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝનો પાર્થિવ દેહ સોમવારે પટના લાવવામાં આવ્યો હતો. રાજકીય હસ્તીઓ ઉપરાંત ઘણા લોકોએ બહાદુર સૈનિકને શ્રદ્ધાંજલિ આપી. મીડિયા સાથે વાત કરતા તેમના દીકરાએ કહ્યું, ‘મને મારા પિતા પર ગર્વ છે. હું દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનારા તમામ બહાદુર સૈનિકોને સલામ કરું છું.’

તેણે જણાવ્યું કે તેમણે 10 મેના રોજ સવારે 5:30 વાગ્યે તેની પિતા સાથે છેલ્લી વાત થઇ હતી. તે સમયે તેમને જમણા પગમાં ગોળી વાગી હતી. તે જ સાંજે તેમનું અવસાન થઇ ગયું. શહીદને પટના એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને શ્રદ્ધાંજલિ સમારોહ પણ યોજાયો હતો. આ પછી, મૃતદેહને સારણ જિલ્લાના નારાયણપુર ગામમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે તે સુપુર્દ-એ-ખાક થયા. શ્રદ્ધાંજલિ આપવા માટે ઘણા રાજકારણીઓ અને અધિકારીઓ એરપોર્ટ પર હાજર હતા.

બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ, રાજ્ય ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલ, ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેજસ્વી યાદવે કહ્યું, ‘શહીદ ઇમ્તિયાઝે જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનને યોગ્ય જવાબ આપતા પોતાના જીવનું બલિદાન આપ્યું. આજે આપણે સુરક્ષિત છીએ કારણ કે આવા બહાદુર સૈનિકો આપણું રક્ષણ કરે છે. દેશ તેમના બલિદાનને ક્યારેય ભૂલશે નહીં.’

ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમારે કહ્યું, ‘શહીદ મોહમ્મદ ઇમ્તિયાઝનું બલિદાન વ્યર્થ ગયું નથી. આપણા સૈનિકોએ તેમના બલિદાનનો બદલો લીધો છે.’ શહીદના પુત્ર ઇમરાને સરકાર પાસે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની માંગ કરી. તેમણે કહ્યું, ‘આપણી સરકારે એવો જવાબ આપવો જોઈએ કે બીજા કોઈ દીકરાએ પોતાના પિતા ગુમાવવા ન પડે. હવે પાકિસ્તાનને પાઠ ભણાવવો જરૂરી છે.’ શહીદ સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ છપરા જિલ્લાના ગડખા પોલીસ સ્ટેશન વિસ્તારના નારાયણપુર ગામના રહેવાસી હતા.

તેમની શહીદીના સમાચાર મળતાં જ આખા ગામમાં શોક છવાઈ ગયો હતો. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમના પાર્થિવ શરીરને પટના એરપોર્ટથી નારાયણપુર મોકલવામાં આવ્યું. શહીદનો પાર્થિવ દેહ ગામમાં પહોંચતાની સાથે જ હજારો લોકો એકઠા થઈ ગયા હતા. અંતિમ યાત્રા દરમિયાન ‘શહીદ ઇમ્તિયાઝ અમર રહે’, ‘ભારત માતા કી જય’ અને ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા ગુંજી રહ્યા હતા. લોકોએ નમ અને ભીની આંખે દેશ માટે શહીદ થયેલા સૈનિકને વિદાય આપી. વહીવટીતંત્ર તરફથી ડીએમ, એસપી, બીડીઓ અને અન્ય અધિકારીઓ સાથે ડીઆઈજી હાજર રહ્યા હતા અને શહીદને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Shah Jina
error: Unable To Copy Protected Content!