ખબર વાયરલ

સુરતમાં બુટલેગર જેલમાંથી છૂટ્યો તો તેના સાગરીતોએ જેગુઆરમાં કાઢ્યો વરઘોડો, વાયરલ વીડિયો જોઈને ફૂટી રહ્યો છે લોકોનો ગુસ્સો

ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં પણ ઘણા લોકો ખુલ્લેઆમ દારૂ વેંચતા હોય છે, પોલીસ પણ ઘણીવાર આવા બુટલેગરોને પકડી અને જેલના હવાલે કરતી હોય છે પરંતુ રૂપિયાના જોર ઉપર આવા બુટલેગરો બહાર આવી જ જતા હોય છે, અને તેમના સાગરીતો પણ તેમના સતત સતત સંપર્કમાં રહેતા હોય છે.

થોડા સમય પહેલા જ મહારાષ્ટ્રમાં એક માફિયાના જેલમાંથી છૂટવા ઉપર તેના સાગરીતોએ તેનો વરઘોડો કાઢ્યો હતો, હવે આવો જ નજારો ગાંધીના ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે, જ્યાં સુરતમાં એક બુટલેગરના છૂટવા ઉપર તેના સાગરીતો દ્વારા જેગુઆરમાં તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે લિસ્ટેડ બૂટલેગર ઈશ્વર વાસફોડિયા જામીન મળતાં જેલમાંથી છૂટીને ગાડીના કાફલા સાથે ગામમાં પ્રવેશ્યો હતો. “ભલ ભલાના અમે પો’ની માપિયાં’ ગીત પર વાહનોના કાફલા સાથે ગામમાં પ્રવેશી રૌફ ઉભો કર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

થોડા સમય પહેલા ઈશ્વર વાંસફોડિયાએ પલસાણા તાલુકાના વાંકાનેડા ગામના ઉપસરપંચને રિવોલ્વર બતાવીને ધમકાવ્યો હતો. જેને પગલે ઈશ્વર વાસફોડિયાને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. પરંતુ હાલ તે જેલમાંથી છૂટીને બહાર આવી ગયો અને તેના સાગરીતો દ્વારા તેનો ભવ્ય વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો.

આ  પહેલી ઘટના નથી જયારે આવા બુટલેગરો અને માફિયા દ્વારા જેલમાંથી છૂટ્યા બાદ સરઘસ કાઢવામાં આવ્યા હોય, આ પહેલા પણ ઘણી જગ્યાએ આવા લોકોના જેલમાંથી છૂટવા ઉપર તેમના સાગરીતો તેમના સરઘસો કાઢતા હોય છે. ઈશ્વર વાંસફોડિયા પણ જેલમાંથી છૂટ્યા બાદ લકઝરીયસ કાર જેગુઆરમાં વરઘોડો લઈને નીકળ્યો હતો.