વાહ ગુજરાતી વાહ: અમરેલીના જયે નિરાધાર બાળકોને ચાર્ટર્ડ પ્લેનમાં લઇ જઈ બર્થડે ઉજવ્યો, જુઓ વીડિયો
ઘણા લોકો પોતાના જન્મ દિવસની ઉજવણીમાં લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. શાનદાર હોટલમાં પાર્ટી રાખતા હોય છે. મોંઘી દાટ કેક લાવતા હોય છે અને મિત્રો અને પરિચિતો સાથે જન્મ દિવસની ઉજવણી કરતા હોય છે. તો ઘણા લોકો એવા પણ હોય છે કે પોતાના જન્મ દિવસે કેકના થપેડા પણ કરતા હોય છે. તો સમાજમાં ઘણા લોકો એવા પણ છે જે પોતાનો જન્મ દિવસ સમાજ માટે કોઈ ઉમદા કામ કરીને ઉજવતા હોય છે.
ત્યારે આવું જ એક કામ અમરેલીના યુવને કર્યુ. તેણે જન્મ દિવસની ઉજવણી પરિવાર કે મિત્રો સાથે નહિ પરંતુ નિરાધાર બાળકો સાથે કરી અને તે પણ ખુબ જ ખાસ અંદાજમાં. અમરેલીમાં આવેલી ડો. કલામ ઇનોવેટિવ સ્કૂલના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા જય કાથરોટીયાએ આ નિરાધાર બાળકો માટે જ કર્યું તે એ બાળકોએ ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું અને તેમના એ દિવસને યાદગાર બનાવી દીધો.
જય કાથરોટીયાએ આ બાળકો માટે એક ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યું હતું અને બાળકોને 12000 ફૂટની ઉંચાઈ લઇ જઈને કેક કાપી ખવડાવી હતી. જયની આ અનોખા જન્મ દિવસની ઉજવણીની ચર્ચાઓ હવે ઠેર ઠેર થઇ રહી છે. લોકો પણ તેમના આ કાર્યને ખુબ જ વખાણી રહ્યા છે. જે લોકો લાખો હજારો રૂપિયા ખર્ચીને પોતાના જન્મ દિવસની ઉજવણી કરતા હોય છે તેમના માટે જય દ્વારા કરેલું આ કાર્ય પ્રેરણા સમાન બની રહ્યું છે.
આ બાબતે મીડિયા સાથે વાત કરતા જય કાથરોટીયાએ જણાવ્યું હતું કે “મારા પિતા આ શહેરમાં એક છકડામાં સામાન ભરીને આવ્યા હતા. તેમના પ્રામાણિક પુરુષાર્થ અને આશીર્વાદના લીધે આજે એવી કૃપા થઇ કે હું બાળકો માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવી શક્યો.” તો બાળકો માટે પણ આ સંભારણું જીવનભરનું બની ગયું. જે બાળકોએ ક્યારે પ્લેનમાં બેસવાનું વિચાર્યું પણ નહોતું તેમને ચાર્ટડ પ્લેનની સફર કરી.