ગીરમાં બે સિંહોને એક બાઈક સવારે રોડ ઉપર દોડાવ્યા, વીડિયો જોઈને તમારું પણ લોહી ઉકળી જશે, જુઓ

અમરેલીના હાઇવે પર જંગલના રાજાને રખડતા કૂતરાની જેમ દોડાવ્યો, માનવે વિકૃતિની હદ વટાવી છે

ગીરના જંગલમાં રહેતા સિંહ અને અન્ય જંગલી પ્રાણીઓ ઘણીવાર રહેણાક વિસ્તારમાં આવી જવાની ઘટનાઓ સામે આવતી રહે છે. તો ઘણીવાર જંગલના રાજા સિંહ રોડ ઉપર આરામથી ફરતા પણ જોવા મળે છે. ત્યારે ઘણીવાર ગીરમાંથી સાવજોને હેરાન કરવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાઈક સવાર બાઈક લઈને રોડ ઉપર જાય છે અને ત્યારે જ તેની સામે બે સિંહ આરામથી રોડ ઉપર ચાલી રહ્યા છે, બાઈક સવાર તેમની પાછળ જાય છે અને તેમને દોડવા માટે મજબુર કરે છે. બાઈક સવારનો અવાજ પણ તેમાં સંભળાતો જોવા મળે છે. તે સિંહોને ચાલો.. દોડો.. ભાગો જેવા શબ્દો કહે છે.

જેના બાદ સિંહ પણ રોડ ઉપર દોડવા લાગે છે અને દોડતા દોડતા આગળ રોડની બાજુમાં જંગલ તરફ જવાનો એક રસ્તો આવતા તે અંદર ચાલ્યા જાય છે. આ વીડિયો બાઈક ચાલકે જાતે જ બનાવ્યો હોય તેમ દેખાઈ રહ્યું છે. વીડિયો વાયરલ થયા બાદ આ ઘટનાને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર વાયરલ થઇ રહેલો આ વીડિયો અમરેલીના ખાંભાના ડેડાણ વિસ્તારમાં આવેલા હાઇવે પરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે ધારી ગીર પૂર્વ વન વિભાગના ડીસીએફ રાજદીપ સિંહ ઝાલા દ્વારા ખાંભા તુલસી શ્યામ રેન્જ વિસ્તારને તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જેના બાદ વન બીભાગ દ્વારા બાઈક ચાલાકની શોધ અને તપાસ હાથ ધરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

બાઈક ચાલકની હાલ ઓળખ થઇ શકી નથી. પરંતુ લોકેશનના આધારે હાલ વન વિભાગ તપાસ કરી રહ્યું છે. દેશની શાન ગણાતા સાવજની પજવણી કરવી એ વાઈલ્ડલાઈફ એક્ટ મુજબ ગંભીર ગુનો બને છે. બાઈક ચાલક જેમ શ્વાનને રસ્તા ઉપર ભગાડી રહ્યો હોય તેમ જંગલના રાજાને ભગાવી રહ્યો હતો. ત્યારે આ વીડિયોમાં સિંહોને થતી પજવણી સ્પષ્ટ દેખાઇ રહી છે.

Niraj Patel