દુઃખદ: વધુ એક અભિનેત્રીએ મોતને વહાલું કર્યું, બે અઠવાડિયામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ત્રીજી આત્મહત્યા

એક બાદ એક ત્રણ અભિનેત્રીઓની મોતથી બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દહેશત ફેલાઇ ગઇ છે. પલ્લવી ડે, બિદિશા ડે મઝૂમદારની મોત બાદ હવે વધુ એક અભિનેત્રીની સંદિગ્ધ અવસ્થામાં મોત થઇ છે. મોડલ અને અભિનેત્રી મંજૂષા નિયોગી 27 મેના રોજ સવારે તેના ઘરે મૃત અવસ્થામાં મળી હતી. તેની લાશ ઘરમાં ફાંસીના ફંદા સાથે લટકતી મળી હતી.બે દિવસ પહેલા બિદિશા ડેની લાશ પણ લટકતી હાલતમાં મળી આવી હતી. બિદિશા ડે અને મંજુષા ગાઢ મિત્રો હતા. પલ્લવી ડેની લાશ પણ 12 દિવસ પહેલા એટલે કે 15 મેના રોજ લટકતી હાલતમાં મળી આવી હતી. (તમામ તસવીરો : સોશિયલ મીડિયા)

એક પછી એક ત્રણ અભિનેત્રીઓના શંકાસ્પદ મોતથી બંગાળી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. બધાને નવાઈ લાગે છે કે આખરે એવું શું થયું કે ત્રણેય અભિનેત્રીઓ મોતને ગળે લગાડી દીધુ ? આ ત્રણેય અભિનેત્રીઓના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા અને ત્રણેય ડિપ્રેશન સામે લડી રહ્યા હતા.મંજુષા નિયોગીની માતાએ જણાવ્યું કે તેમની પુત્રી મોડલ બિદિશા સાથે રહેવા માંગતી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે બિદિશાના મોત પછી મંજુષાએ તેના મોતનો સંકેત પણ આપ્યો હતો.

મંજુષા નિયોગી લોકપ્રિય મોડલ હતી. તે તેના પરિવાર સાથે કોલકાતાના પટુલી વિસ્તારમાં રહેતી હતી. મંજુષાની માતાએ કહ્યું, ‘મારી પુત્રી કહેતી હતી કે તેને બિદિશા સાથે રહેવું છે. તે સતત બિદિશા વિશે વાત કરતી હતી. મેં તેને ઠપકો આપ્યો જ્યારે તેણે મને કહ્યું કે ટૂંક સમયમાં મીડિયા બિદિશાની જેમ આપણા ઘર પર ફોકસ કરશે. બિદિશા અને મંજુષા મોડલ અને એક્ટ્રેસ હતી. બંને એકબીજાની ખૂબ જ નજીક હતા.

મંજુષાની માતાના કહેવા પ્રમાણે, મંજૂષા બિદિશાના મોત બાદ ડિપ્રેશનનો શિકાર બની હતી. પોલીસે જણાવ્યું હતું કે મંજુષા નિયોગીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. તેનું મોત ખરેખર કેવી રીતે થયું તે તપાસ બાદ જ ખબર પડશે.પલ્લવી ડેના મોતના સમાચાર 15 મેના રોજ આવ્યા હતા. અભિનેત્રીનો મૃતદેહ તેના ઘરેથી શંકાસ્પદ સંજોગોમાં લટકતો મળી આવ્યો હતો. બે દિવસ પહેલા એટલે કે 25 મેના રોજ બિદિશા ડેનો મૃતદેહ પણ પલ્લવી ડેની જેમ તેના ઘરમાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. મંજૂષા કેટલાક ટીવી શોમાં પણ નાની ભૂમિકામાં નજર આવી ચૂકી છે. અભિનેત્રીએ ટીવી શો “કાંચી”માં નર્સની ભૂમિકા નિભાવી હતી.

ઘટનાસ્થળેથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જ્યારે પોલીસ તપાસ માટે બિદિશાના ઘરે પહોંચી તો રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. જ્યારે દરવાજો તોડવામાં આવ્યો ત્યારે બિદિશા ફાંસી ખાધેલી હાલતમાં મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે બિદિશા ડે તેના બોયફ્રેન્ડના કારણે ડિપ્રેશનમાં હતી. અભિનેત્રીના એક મિત્રએ દાવો કર્યો હતો કે બિદિશાને તેના બોયફ્રેન્ડ દ્વારા છેતરવામાં આવી હતી. તેની વધુ ત્રણ ગર્લફ્રેન્ડ હતી. જ્યારે બિદિશાને ખબર પડી ત્યારે તેણે તેના બોયફ્રેન્ડ સાથે લડાઈ કરી હતી. ત્યારથી અભિનેત્રી ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. જોકે બિદિશા ડે પાસેથી મળેલી સુસાઈડ નોટમાં કેન્સર વિશે લખ્યું હતું, જેને મિત્રોએ નકારી કાઢ્યું હતું.

Shah Jina