વડોદરા સામુહિક આપઘાત કેસમાં ચોંકવનારો ખુલાસો: તાંત્રિકોએ પરિવાર પાસેથી પડાવ્યા હતા આટલા લાખ રૂપિયા, મળી સ્યુસાઇડ નોટ

વડોદરાની સ્વાતિ સોસાયટીમાં સોની પરિવાર દ્વારા કરવામાં આવેલા સામુહિક આત્મહત્યા કેસની અંદર ઘણા બધા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, અત્યાર સુધીની માહિતી પ્રમાણે સામે આવ્યું હતું કે પરિવાર દ્વારા આર્થિક સંકળામણના કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું, પરંતુ હવે એક નવો ઘટસ્ફોટ થઇ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ આપઘાતમાં બચી ગયેલા ભાવિન સોનીનું નિવેદન પોલીસે નોંધ્યું છે, જેની અંદર એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ભાવિન સોનીના નિવેદન અનુસાર પરિવાર જ્યોતિષના ચક્કરમાં ફસાયો હતો અને જ્યોતિષ દ્વારા પરિવાર પાસેથી 32 લાખ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા.

પરિવારને આર્થિક સંકળામણમાંથી બહાર લાવવા માટે જ્યોતિષ દ્વારા તેમને અલગ અલગ ઉપાયો સુજાવવામાં આવ્યા હતા, જેમાં પરિવારના 32 લાખ રૂપિયા ખર્ચ થઇ ગયો હતો, જેના કારણે સોની પરિવાર વધુ આર્થિક સંકળામણમાં ફસાતા તેમને આત્મહત્યાનું પગલું ભર્યું હતું.

પોલીસ દ્વાર ભાવિનના નિવેદન અનુસાર વડોદરા અને અમદાવાદના 9 જ્યોતિષ વિરુદ્ધ છેતરપિંડીનો ગુન્હો દાખલ કરી લીધો છે.પરિવારે આત્મહત્યા કરતા પહેલા પરિવારના મોભી નરેન્દ્રભાઈ સોનીએ તેમની 12માં ધોરણમાં ભણતી દીકરી રિયા પાસે એક સુસાઇડ નોટ પણ લખાવી હતી, જે પોલીસે કબ્જે કરીને એફએસએલમાં મોકલી દીધી છે. સુસાઇડ નોટ પલળી ગઈ હોવાના કારણે સ્પષ્ટ વંચાઈ શકે તેમ નહોતી.

આ સામુહિક આત્મહત્યામાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા, જેમાં પરિવારના મોભી નરેન્દ્ર ભાઈ, તેમની 12માં ધોરણમાં ભણતી દીકરી રિયા અને 4 વર્ષના પૌત્ર પાર્થ સામેલ છે. તેમની અંતિમ યાત્રા ગઈકાલે યોજવામાં આવી હતી જેમાં ઘણા લોકો જોડાયા હતા, અને સૌની આંખો ભીની થઇ હતી.

નરેદ્રભાઈના દીકરા ભાવિન, ભાવિનની પત્ની  ઉર્વશી અને નરેન્દ્રભાઈની પત્નીને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ભાવિનની હાલત સ્વસ્થ થતા તેને પોલીસને નિવેદન આપ્યું હતું જેમાં આર્થિક સંકળામણમાં મુકાવવાનું કારણ જ્યોતિષ દ્વારા પૈસા પડાવવાનું પણ સામે આવ્યું હતું.

Niraj Patel