ના જાણ્યું જાનકી નાથે શું થવાનું ? બોટમાં બેસતા પહેલા બાળકો કેવા ઉત્સાહિત હતા, ઘટના પહેલાના CCTV જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે
Baroda Boat Tragedy CCTV : વડોદરામાં ગઇકાલે બનેલી ઘટના ગુજરાત માટે એક કાળા દિવસ સમાન બની ગઈ. વડોદરાના હરણી લેક પર પીકનીક મનાવવા માટે ગયેલા એક પ્રાઇવેટ શાળાના બાળકો બોટમાં બેઠા ત્યારે એક મોટી દુર્ઘટના ઘટી, તળાવની અંદર જ બોટ પલ્ટી ગઈ અને 12 માસુમ બાળકો સાથે 2 મહિલા શિક્ષિકાઓના પણ મોત થઇ ગયા. આ ઘટનાએ આખા ગુજરાતને જ નહિ દેશને પણ હચમચાવી દીધો છે, ત્યારે હવે આ ઘટના પહેલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
18 લોકો વિરુદ્ધ નોંધાયો ગુન્હો :
આ તમામ બાળકો વાઘોડિયા રોડ પર આવેલી ન્યુ સનરાઈઝ સ્કૂલના હતા. શાળામાંથી 82 વિદ્યાર્થીઓ એક સાથે પ્રવાસ માટે ગયા હતા, અને ત્યાં બોટિંગ દરમિયાન જ આ દુર્ઘટના ઘટી હતી. આ મામલે હવે 18 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આમાં મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધ બેદરકારી તથા નિષ્કાળજીનો ગુનો હરણી પોલીસ મથકે દાખલ કર્યો છે. આમાં ઇ.પી.કો.કલમ 304, 308, 337,338, 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
CCTV ફૂટેજ આવ્યા સામે :
ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તે જોઈને કેટલાય લોકોની આંખો છલકાઈ જાય છે. આ વીડિયો એ સમયનો છે જયારે ન્યુ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ હરણી લેક ઝોનમાં પ્રવેશ કરી રહ્યા હતા. ત્યારે અસ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી, જેમાં જોવા મળી રહ્યું છે કે બાળકો એક લાઈનમાં લેક ઝોનમાં પ્રવેશ કરી રહ્યા છે, આ માસુમ બાળકો સાથે તેમના શિક્ષકો પણ જોવા મળી રહ્યા છે, સાથે જ તમામ બાળકો શિસ્ત બદ્ધ રીતે પ્રવેશ કરે છે.
પરેશ શાહ છે કોન્ટ્રાકટર :
હરણી લેકમાં બોટ ડૂબી જવાની દુર્ઘટના ઘટી તેનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ નામના કોન્ટ્રાક્ટરને નામે છે જે મોટું માથું હોવાનું મનાઈ રહ્યું છે. એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ પરેશ શાહે નિલેશ જૈનને આપ્યો હતો. તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ જૈને અન્ય કોઈને આપ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. તો આ મામલે એવી પણ માહિતી સામે આવી રહી છે કે જે વ્યક્તિ બોટ ચલાવી રહ્યો હતો તે વ્યક્તિ સેવ ઉસળની લારી પણ ચલાવતો હતો.
View this post on Instagram