પોલેન્ડ બોર્ડર ઉપર આ સંસ્થાના સ્વયં સેવકો કરી રહ્યા છે ખુબ જ ઉમદા કામગીરી, લોકોને ગરમ ગરમ જમવાનું પીરસવાની સાથે કરી આ મદદ, જુઓ

યુક્રેન અને રશિયા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધના કારણે ઘણા બધા ભારતીય લોકો પણ યુક્રેનમાં ફસાઈ ગયા છે અને ત્યાંથી તે ગમે તેમ કરીને વતન વાપસી કરી રહ્યા છે. આ દરમિયાન વિધાર્થીઓ હંગેરી, રોમાનિયા, સ્લોવાકિયા અને પોલેન્ડની બોર્ડર ઉપર ગમે તેમ કરીને પહોંચી રહ્યા છે, ત્યારે છેલ્લા ઘણા દિવસથી ભૂખ્યા તરસ્યા અને કેટલાય કીલોમિટરનું અંદર કાપીને આવેલા લોકોને બોર્ડર ઉપર પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

યુક્રેનમાંથી નીકળતી વખતે તેમની પાસે ના પૂરતા પૈસા હતા ના તેમની પાસે ખાવા પીવાનો પૂરતો સામાન. ત્યારે આવા સમયે BAPS સંસ્થા લોકોની મદદ માટે આગળ આવી છે. ત્યારે આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલા મોડી રાત્રે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને ફોન કરીને યુક્રેન પોલેન્ડ બોર્ડર ઉપર ફસાયેલા ભારતીય વિધાર્થીઓને સાચવવાની જવાબદારી લેવા માટે બીએપીએસ સંસ્થાને જણાવ્યું હતું.

પીએમ મોદીના આ ફોન બાદ સંસ્થાના વડા મહંત સ્વામીના આશીર્વાદથી તાત્કાલિક રાહતકાર્ય શરૂ કરવામાં આવ્યું. આ રાહતકાર્યમાં બીએપીએસ સંસ્થાના યુરોપ સ્થિત સ્વયંસેવકો બોર્ડર ઉપર યુક્રેનથી પરત ફરી રહેલા ભારતીયોની સેવામાં પહોંચી ગયા અને પેરિસ અને સ્વિટ્ઝર્લેન્ડથી સતત 22 કલાકનું ડ્રાઈવ કરીને મોબાઈલ કિચન વાન સાથે બી.એ.પી.એસ.ના અગ્રણીએ 1000 જેટલા ભારતીયોને ગરમ ગરમ ભોજન પીરસવામાં આવ્યું હતું.

બીએપીએસ સંસ્થાએ ના ફક્ત ભૂખ્યા લોકોની આંતરડી ઠારી, પરંતુ રેસ્ઝો શહેરની પ્રસિદ્ધ હોટલના કોન્ફરન્સ રૂમમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા પણ કરી આપી. યુક્રેનથી કડકડતી ઠંડીમાં ભૂખે, તરસે પોતાના જીવના જોખમે બોર્ડર સુધી પહોંચેલા ભારતીયોને બોર્ડર ઉપર BAPS સંસ્થા દ્વારા ગરમ ગરમ ભોજન પીરસાતા હાશકારાનો અનુભવ પણ થયો હતો.

ઘણા વિધાર્થીઓ તો એવા પણ હતા જે કેટલાય કિલોમીટર સુધી પગે ચાલીને બોર્ડર સુધી પહોંચ્યા હતા અને ખુબ જ દયનિય પરિસ્થિતિનો સામનો પણ તેમને કર્યો હતો, ત્યારે આ લોકોની પરિસ્થિતિ જોઈને સંસ્થાના સ્વયંસેવકો પણ ભાવુક બન્યા હતા. તો BAPS સંસ્થાના સ્વંય સેવકો દ્વારા પોતાની બનતી મદદ કરવામાં આવી રહી છે અને લોકોને સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરી અને ચિતા ના કરવા તથા સંપર્ક કરવા માટે પણ જણાવ્યું છે.

Niraj Patel