દીકરાનો જન્મ થવાની સાથે જ કોરોના સંક્રમિત માતાએ દુનિયાને કહ્યું અલવિદા, બનાસકાંઠાનો આ કિસ્સો તમારી આંખો ભીની કરી દેશે

કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક બની રહી છે. ઠેર ઠેર એમ્બ્યુલન્સોના અવાજો જ સંભળાય છે, હોસ્પિટલમાં બેડ ખાલી નથી, ઘણા લોકો સારવાર માટે વલખા મારી રહ્યા છે, ઓક્સિજનની પણ ખોટ પડી ગઈ છે ત્યારે ઘણા એવા કિસ્સાઓ સામે આવે છે કે એ સાંભળીને ઈશ્વરને પણ ગાળો બોલવાનું મન થાય.

ઘણા પરિવારોએ આ કાળમુખા કોરોનાના કારણે પોતાના વ્હાલસોયા સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો હાલ બંસકાંઠામાંથી સામે આવ્યો છે, જ્યાં એક દીકરો જન્મતાની સાથે જ તેના માથેથી માતાનો પડછાયો ચાલ્યો ગયો.

પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામની અને રાજસ્થાનના હડમતિયા ગામે પરણાવેલી સરોજકુંવર કૃપાલસિંહ દેવડા સગર્ભાવસ્થા દરમિયાન સંક્રમિત થયાં હતાં. ત્યારે તેમને સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ત્યાં તેમનો કોરોના પોઝિટિવ આવ્યો હતો.

જેના બાદ તેમને ધારપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. સિવિલમાં જ તેમને બેહોશ હાલતમાં એક દીકરાને જન્મ આપ્યો હતો. ભાનમાં આવ્યા બાદ દીકરો જન્મ્યો છે આટલું સાંભળીને તરત જ સરોજકુંવરે અંતિમ શ્વાસ લીધો હતો. જેના બાદ પરિવારમાં પણ માતમ છવાઈ ગયો હતો.

હાલમાં નવજાત બાળકને ધારપુર મેડિકલ કોલેજમાં બેબીકેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયું છે. ડો.હિરેન અને ડો.તેજશ દ્વારા સિઝેરિયન કરાયું હતું. બાળક કેર સેન્ટરમાં છે, તેનો કોરોના આરટીપીસીઆર ટેસ્ટ કરાયો છે, જેનું રિઝલ્ટ એક-બે દિવસમાં આવ્યા બાદ વાલીવારસોને સોંપી દેવામાં આવશે.

Niraj Patel