ફક્ત 4 રનથી હારી ગયું આફ્રિકા સામે બાંગ્લાદેશ, ICCના આ નિયમ પડ્યો બાંગ્લાદેશ માટે ભારે, દિગ્ગજોએ પણ કરી આ નિયમની ટીકા, જુઓ શું હતો આ નિયમ ?
Bangladesh lost due to ICC regulation : T20 વર્લ્ડ કપ 2024માં દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમનો વિજય થયો હતો. આ મેચમાં જીત સાથે દક્ષિણ આફ્રિકાની ટીમે સુપર 8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાના પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકાએ આ મેચ 4 રને જીતી લીધી હતી, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે બાંગ્લાદેશની હાર પાછળ ICCનો એક ખાસ નિયમ હતો.
દક્ષિણ આફ્રિકા સામે બાંગ્લાદેશની ટીમની હાર પાછળ આઈસીસીનો નિયમ હતો. ક્રિકેટ ચાહકોને આ વિશે બહુ ઓછી માહિતી છે. હકીકતમાં, બાંગ્લાદેશના રન ચેઝ દરમિયાન, ટીમનો બેટ્સમેન મહમુદુલ્લાહ 17મી ઓવરના બીજા બોલમાં એટલે કે 16.2 ઓવરમાં બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે ઓટનીલ બોલિંગ પર હતો. તેનો બોલ મહમુદુલ્લાહના પેડ પર વાગ્યો હતો. ઓટનીલે તે બોલ પર અપીલ કરી અને અમ્પાયરે મહમુદુલ્લાહને આઉટ આપ્યો.
આ પછી મહમુદુલ્લાહે રીવ્યુ કર્યું. જેમાં તે નોટઆઉટ જોવા મળ્યો હતો, પરંતુ સમસ્યા એ હતી કે બોલ પેડ પર અડ્યા બાદ ફાઈન લેગ પર બાઉન્ડ્રી પાર ગયો, પરંતુ અમ્પાયરના નિર્ણય બાદ તરત જ બોલ ડેડ થઈ ગયો હતો, તેથી કોઈ ગણતરી કરવામાં આવી ન હતી. જો મેદાન પરના અમ્પાયરે તે બોલ પર યોગ્ય નિર્ણય લીધો હોત, તો તે ચોગ્ગા તરીકે ગણવામાં આવ્યો હોત અને કદાચ બાંગ્લાદેશ 4 રનથી મેચ ન હારી શક્યું હોત. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તન્ઝીમ હસન શાકિબના નેતૃત્વમાં બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે બાંગ્લાદેશે દક્ષિણ આફ્રિકાને છ વિકેટે 113 રન પર રોકી દીધું હતું.
આફ્રિકા તરફથી હેનરિક ક્લાસને 44 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 46 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય ડેવિડ મિલરે 29 રન બનાવ્યા હતા. 114 રનના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 109 રન જ બનાવી શકી હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાએ T20 વર્લ્ડ કપમાં સૌથી ઓછા સ્કોરનો બચાવ કરવાનો રેકોર્ડ બનાવ્યો.