થરાદમાં પતિ-પત્નીએ બે માસુમ બાળકીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવીને મોતને કર્યું વહાલું, ચારેયના મૃતદેહ મળી આવતા લોકો પણ ચીસ પાડી ઉઠ્યા

એક દીકરીને ઘરે છોડી અને બે દીકરીઓને સાથે લઇ પતિ પત્નીએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, પત્નીના ગર્ભમાં પણ હતું બાળક, કમકમાટી ભરેલી ઘટના

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે આપઘાત કરી લેતા હોય છે, ઘણીવાર સામુહિક આપઘાતના પણ કિસ્સાઓ સામે આવે છે, જેમાં આખો જ પરિવાર મોતને વહાલું કરી લેતો હોય છે. હાલ એવો જ એક મામલો થરાદમાંથી સામે આવ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલની અંદર પતિ-પત્નીએ પોતાની બે માસુમ દીકરીઓ સાથે કોઈ અગમ્ય કારણોસર ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. જેના બાદ ચારેયના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે તમામ મૃતદેહનને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. નર્મદા કેનાલની અંદર ચાર લોકોના ઝંપલાવવાની જાણ તંત્રને થતા જ તાત્કાલિક ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓએ ઘટના સ્થળ ઉપર પહોંચીને ચારેયની શોધખોળ શરૂ કરી. કલાકો સુધી આ ચારેયની શોધખોળ કર્યા બાદ કેનાલમાંથી દંપતી અને તેમની બંને બાળકીઓના મૃતદેહ મળી આવ્યા હતા.

આ ઉપરાંત ગત રોજ એક જ દિવસમાં બનાસકાંઠા જિલ્લાની અંદર કેનાલમાં ડૂબી જવાના કારણે જ 6 લોકોના મોત નિપજ્યા હતા. એક જ પરિવારના ચાર લોકોના સામુહિક આપઘાત ઉપરાંત થરાદના એધાતા એઢાટા કેનાલની અંદર ન્હાવા માટે ગયેલા ત્રણ બાળકોમાંથી બે બાળકોના પણ મોત નિપજ્યા હતા. જયારે એક બાળકને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો. ત્યારે આ દંપતીએ શા કારણે પોતાની બંને વ્હાલસોયી બાળકીઓ સાથે આપઘાત કર્યો હતો તે અંગે હજુ કોઈ જાણકારી નથી મળી રહી. હાલ પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે, અને તેમણે શા કારણે આપઘાત કર્યો તે અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે. હાલ તો કોઈ સામાજિક કારણોને લઈને આપઘાત કર્યો હોવાની વાત પણ ગામમાં ચર્ચાઈ રહી છે.

એક જ પરિવારના ચાર લોકોના મોતના કારણે ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતક કાળુભાઇ પંડ્યા બાળકોને દવાખાને લઇ જવાનું કહીને નીકળ્યા હતા, ત્યારે તેમની એક દીકરી દિવ્યાંગી ત્યાંથી નસીબજોગે દોડી ગઈ હતી, જેના કારણે તે બચી ગઈ હતી, પરંતુ હવે માતા પિતાની છત્રછાયા ગુમાવતા તે પણ અનાથ બની છે. આ ઉપરાંત કાળુભાઈએ આપઘાત કરતા પહેલા તેમના નાનાભાઈને ફોન પણ કર્યો હતો અને હવે આપણો સંબંધ પૂરો એમ કહીને ફોન પણ કાપી નાખ્યો હતો. જેનાબાદ નાનાભાઈએ ફરીથી ફોન કરતા કેનાલ ઉપર ભેગા થયેલા લોકોએ ફોન ઉઠાવ્યો હતો. જેના બાદ તેમને કેનાલમાં પડ્યા હોવાની જાણ થઇ હતી.

આ ઉપરાંત કાળુભાઈના પત્ની ગીતાબેન સગર્ભા હોવાનું જણાવાઈ રહ્યું છે. અગાઉ તેમના બે બાળકોના પણ અવસાન થયા હોવાનું પણ ગામજનો દ્વારા જાણવા મળ્યુ હતુ. આ સાથે કેનાલમાં બે દીકરીઓ સાથે પતિ પત્નીએ આપઘાત કરતા પત્નીના ગર્ભમાં રહેલા બાળકના પણ મોત સાથે પાંચ જીવ એકસાથે મોત થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Niraj Patel