ખબર

બનાસકાંઠામાં ફાટ્યુ આભ, પાલનપુર-આબુરોડ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતા કરાયો બંધ, અનેક કિમી સુધી ટ્રાફિક જામ

ગુજરાતમાં હાલ ચારેકોર વરસાદ વરસી રહ્યો છે અને આ દરમિયાન રાજયના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. બનાસકાંઠા, કચ્છ અને પાટણના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે આ વચ્ચે બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને કેડ સમા પાણી ભરાઇ જવા પામ્યા હતા. વધુ વરસાદને પગલે અને પાણી ભરાઇ જવાને કારણે પાલનપુર-આબુરોડ હાઇવે બંધ કરાયો હતો. હાઇવે ઉપર પાણી ભરાતા 5 કિમી લાંબી વાહનોની કતારો લાગો હતી.

છેલ્લા 24 કલાકથી બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે ઘણા પંથકો પાણી-પાણી થઇ ગયા છે. મલાના પાટીયા પાસે 5 ફૂટ પાણી ભરાઇ જવા પામ્યા હતા. જો કે, હજુ પણ રાજયમાં 24 કલાક ભારે ભાખી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ અનુસાર, ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમીરગઢમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 ઇંચ, ડીસામાં 7 ઇંચ, દાંતીવાડામાં 6 ઇંચથી વધારે, પાલનપુરમાં 4 ઇંચથી વધારે અને કાકરેજમાં 4 ઈંચ, તેમદ દાંતામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે.

છેલ્લા બે કલાકની વાત કરીએ તો, આમિરગઢમાં સવા બે ઇંચ અને ડીસામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બાલારામ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે જેને કારણે દર્શનાર્થીઓને નદી નજીક ન જવા સૂચના અપાઇ છે. મોડી રાત્રે પડેલા ભારે વરસાદને પગલે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો અને આજે બાલારામ નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક વિસ્તારો ભારે વરસાદના પગલે પાણી-પાણી થઇ ગયા છે.

ભિલડી અને દિયોદરમાં તો રસ્તા પર જ નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. જણાવી દઇએ કે, ઉત્તર ગુજરાતમાં સોમવાર સાંજે 6 વાગ્યાથી લઇને ગુરૂવાર સાંજે 6 વાગ્યા સુધી ચિક્કાર વરસાદ વરસ્યો હતો. 47 પૈકી 43 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. દિવસભર વરસાદી માહોલના કારણે તાપમાન પણ ઠંડુગાર રહ્યું હતું.