આમ તો જમીન પર બાળકનો જન્મ થવો એ સામાન્ય બાબત છે, પરંતુ કયારેક એવું થાય છે કે, બાળકનો જન્મ હવામાં થાય છે. આવો જ એક કિસ્સો આજે સવારે સામે આવ્યો છે. બેંગલોરથી જયપુર જઇ રહી ઇન્ડિગો એયરલાઇન્સની ફ્લાઇટમાં એક ગર્ભવતીએ એક બાળકને જન્મ આપ્યો.

ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-469એ સવારે 5.45 વાગે બેંગલુરુથી ઉડાન ભરી હતી. એ 8 વાગે જયપુર પહોંચવાનું હતું. એક મહિલાને અચાનક ફ્લાઈટમાં લેબરપેઈન શરૂ થયું હતું. વિમાનના ક્રૂ-મેમ્બર્સે ડોક્ટર માટે અનાઉન્સ કર્યું હતું. સદનસીબે ફ્લાઈટમાં એક મહિલા ડોક્ટર હાજર હતા.

ડોકટરે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તરત કમાન સંભાળી લીધી હતી. આ દરમિયાન ક્રૂ-મેમ્બર્સે પણ જયપુર ઓથોરિટીને તેની માહિતી આપી હતી. એરપોર્ટ પ્રશાસને ડોક્ટર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી રાખી હતી. ત્યાર પછી મહિલા અને બાળકીને હોસ્પિટલ મોકલવામાં આવ્યાં છે.

તમને જણાવી દઇએ કે, ગયા વર્ષે ઓકટોબરમાં દિલ્હીથી બેંગલુરુ ફ્લાઇટમાં જઇ રહેલ એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. તે સમયે ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફે તેમના તરફથી પૂરતી મદદ કરી હતી. તે સમયે બાળક પ્રી મેચ્યોર હોવાને કારણે ડિલિવરીમાં થોડી મુશ્કેલી આવી હતી પરંતુ સ્ટાફને કારણે તે સંભવ થયુ હતુ.