ભ્રામક જાહેરત કેસ- રામદેવે સુપ્રીમ કોર્ટમાં માગી માફી : અદાલતે કહ્યુ- આ માન્ય નહિ, સરકારને કર્યો સવાલ- કેમ આંખો બંધ રાખી છે ?
પતંજલિ આયુર્વેદને ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી અને યોગ ગુરુ રામદેવ અને કંપનીના એમડી આચાર્ય બાલકૃષ્ણને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા. ત્યારે 2 એપ્રિલે એટલે કે આજે બાબા રામદેવ અને બાલકૃષ્ણ બંને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. જ્યારે સુનાવણી શરૂ થઈ ત્યારે બાબા રામદેવના વકીલે કહ્યું કે અમે આવી જાહેરાત માટે માફી માંગીએ છીએ. તમારા આદેશ પર યોગ ગુરુ રામદેવ પોતે કોર્ટમાં આવ્યા છે. પતંજલિ આયુર્વેદના વકીલે કહ્યું કે બાબા રામદેવ પોતે કોર્ટમાં આવ્યા છે. તે માફી માંગી રહ્યા છે અને તમે તેમની માફીને રેકોર્ડ કરી શકો છો.
બાબા રામદેવના વકીલે કહ્યું, ‘અમે કોર્ટમાંથી ભાગી રહ્યા નથી. શું હું આ થોડા ફકરાઓ વાંચી શકું ? શું હું હાથ જોડીને કહી શકું કે સજ્જન પોતે કોર્ટમાં હાજર છે અને કોર્ટ તેમની માફી નોંધી શકે છે. સુનાવણી દરમિયાન પતંજલિના વકીલે ભ્રામક જાહેરાત અંગે કહ્યું કે અમારા મીડિયા વિભાગને સુપ્રીમ કોર્ટના આદેશની જાણ નથી. તેથી જ આવી જાહેરાત થઈ. તેના પર જસ્ટિસ અમાનુલ્લાહ અને જસ્ટિસ હિમા કોહલીની બનેલી બેંચે કહ્યું કે એ માનવું મુશ્કેલ છે કે તમને આની જાણ ન હતી. હકીકતમાં નવેમ્બર 2023માં જ સુપ્રીમ કોર્ટે પતંજલિને ભ્રામક દાવા કરતી જાહેરાતો પાછી ખેંચવાનો આદેશ આપ્યો હતો.
જો આમ કરવામાં નહીં આવે તો કાર્યવાહી કરવાનું અને પતંજલિની દરેક ખોટી જાહેરાત પર 1 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે તેવું જણાવાયુ હતુ. આ દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાએ એમ પણ કહ્યું કે બાબા રામદેવે યોગના મામલે ખૂબ સારું કામ કર્યું છે. પરંતુ એલોપેથી દવાઓ અંગે આવા દાવા કરવા યોગ્ય નથી. IMAના વકીલે કહ્યું કે તેમણે તેની જાહેરાત કરવી જોઈએ, પરંતુ તેમાં એલોપેથી મેડિકલ સિસ્ટમની બિનજરૂરી ટીકા કરવી જોઈએ નહીં. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ હિમા કોહલીએ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી.
તેમણે કહ્યું કે અમને આશ્ચર્ય થાય છે કે કેન્દ્ર સરકારે આ મામલે આંખો કેમ બંધ રાખી. ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટે આજે બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણને તેમનો જવાબ દાખલ કરવા માટે છેલ્લી તક આપી છે. કોર્ટે એક સપ્તાહમાં જવાબ દાખલ કરવા જણાવ્યું. આગામી સુનાવણી 10 એપ્રિલે થશે. કોર્ટે કહ્યું કે રામદેવ અને બાલકૃષ્ણ સુનાવણીમાં હાજર રહે. આજે સુનાવણી દરમિયાન રામદેવના વકીલ બલવીર સિંહે કોર્ટને કહ્યું કે યોગ ગુરુ માફી માંગવા માટે અહીં હાજર છે.
ભીડને કારણે તે કોર્ટરૂમ સુધી ન આવી શક્યા. અદાલતે એફિડેવિટ જોયા પછી ફટકાર લગાવી અને કહ્યુ કે આ પ્રોપર એફિડેવિટ નથી, જ્યારે બલવીર સિંહે માફીનામુ વાંચ્યુ તો કોર્ટે કહ્યું કે આવા કિસ્સાઓમાં જે વ્યક્તિ આદેશોનું ઉલ્લંઘન કરે છે તે માફી માંગે છે. અમારે રામદેવના વકીલનું માફીનામું નથી સાંભળવું. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનતુલ્લાની બેંચે કહ્યું, “અમે બંને વિરૂદ્ધ ખોટા નિવેદનનો કેસ ચલાવવાનો નિર્દેશ રજિસ્ટ્રારને આપીએ છીએ.
અદાલતે બલબીર સિંહને કહ્યું- તમે તૈયાર રહો. સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ રામદેવ અને બાલકૃષ્ણ કોર્ટ રૂમમાં પહોંચ્યા અને રામદેવે બિનશરતી માફી માંગી. બેન્ચે કહ્યું, “માત્ર સુપ્રીમ કોર્ટ જ નહીં, પરંતુ દેશની દરેક કોર્ટના આદેશોનું સન્માન કરવું જોઈએ. તમારે સૂચનાઓનું પાલન કરવું જોઈએ. કોર્ટ અને તમે દરેક મર્યાદા વટાવી દીધી છે.” કોર્ટે કહ્યું કે જ્યારે પતંજલિ દરેક જગ્યાએ જઈ રહી હતી અને કહી રહી હતી કે એલોપેથી કોવિડમાં કોઈ રાહત આપતી નથી, તો પછી કેન્દ્રએ આંખો કેમ બંધ કરી હતી.
સાચું સોગંદનામું ન દાખલ કરવા પર, કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જે થયું તે નહોતું થવું જોઈએ. મહેતાએ રામદેવ અને પતંજલિના વકીલોને સહકાર આપવાની ઓફર કરી હતી. સુપ્રીમ કોર્ટ 17 ઓગસ્ટ, 2022ના રોજ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે પતંજલિએ કોવિડ રસીકરણ અને એલોપેથી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કર્યો હતો. તે જ સમયે, તેણે પોતાની આયુર્વેદિક દવાઓથી કેટલાક રોગોનો ઇલાજ કરવાનો ખોટો દાવો કર્યો.