ઓટો ડ્રાઇવરની દીકરી બની 10માંની ટોપર, મુશ્કેલીમાં માતાએ બીજાના કપડા ધોયા, જાણો સફળતાની કહાની

પિતા ઓટો ચલાવે છે, માતાએ બીજાના કપડા ધોઇ ભણાવી, દીકરી ધોરણ 10માં 96% લઇને આવી

જો તમારામાં કંઈક કરવાની ઈચ્છા હોય તો કોઇ પણ સાધનોનો અભાવ કે પછી કોઇ પણ સંજોગો આડે નથી આવતા. રાજધાની જયપુરના એક ઓટો ડ્રાઈવરની દીકરી સુહાની શક્રવાલની આવી જ કહાની છે. ગયા વર્ષે જૂન 2022માં જાહેર કરાયેલા 10માં ધોરણના પરિણામમાં સુહાનીએ 96 ટકા મેળવીને તેના પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું હતુ. શિક્ષણ ક્ષેત્રે ચમકતો સિતારો બનેલી આ છોકરી ગરીબીમાં મોટી થઈ. સંસાધનોના અભાવે સંઘર્ષ કરીને તેણે આ સ્થાન હાંસલ કર્યું.

મળતી માહિતી મુજબ રાજેશ શક્રવાલ જયપુરમાં ઓટો ચલાવે છે. દલિત અને બીપીએલ પરિવારની 15 વર્ષની પુત્રી સુહાની જયપુરની સી-સ્કીમમાં કેસીજે શ્રી ગુજરાતી સમાજ હિન્દી માધ્યમ શાળામાં અભ્યાસ કર્યો. સુહાનીના માતા-પિતા બંને ભણ્યા નથી અને પરિવારની આર્થિક સ્થિતિ પણ ખૂબ જ નબળી છે. સુહાનીએ જણાવ્યું હતુ કે તેણે દરરોજ 5-6 કલાક અભ્યાસ કરીને આ સફળતા મેળવી હતી. તેની પાસે પોતાનો મોબાઈલ પણ નહોતો. સુહાની તેની માતાના મોબાઈલનો ઉપયોગ કરીને તેના અભ્યાસમાં તેને પડતી સમસ્યાઓનો ઉકેલ શોધતી હતી. કોવિડ સમયગાળા દરમિયાન ઑનલાઇન અભ્યાસ કર્યો.

પણ ક્યારેય તેણે તેની માતાના મોબાઈલનો દુરુપયોગ કર્યો નથી. સુહાનીના કહેવા પ્રમાણે તેના કાકાનો દીકરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તે તેનાથી પ્રેરિત છે. સુહાની કહે છે કે તેનું સપનું સીએ ક્લિયર કરવાનું છે જેથી તેના હાથમાં પ્રોફેશનલ ડિગ્રી આવી શકે. તે પછી તે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને IAS બનવા માંગે છે. સુહાનીનો પરિવાર જયપુરમાં સી-સ્કીમની વિનોબા નગર ટાઉનશીપમાં રહે છે. નાની ઉંમરમાં જ સુહાનીના પિતા રાજેશના ખભા પર જવાબદારીઓ આવી ગઈ. પિતાના અવસાનને કારણે પરિવારનું ધ્યાન રાખવું પડ્યું. રાજેશે 17-18 વર્ષની ઉંમરે પિંકી સાથે લગ્ન કર્યા હતા.

સમયની સાથે બદલાઈ ગયેલા રાજેશનું કહેવું છે કે તેઓ તેમની દીકરીના લગ્ન ત્યારે જ કરાવશે જ્યારે તેઓ કોઈ દરજ્જો હાંસલ કરીને પોતાના પગ પર ઊભી થશે. કોરોના સમયગાળા દરમિયાન સુહાનીના પરિવારે તે સમય પણ જોયો જ્યારે તેની માતાને અન્ય લોકોના કપડા ધોઈને પોતાનું ઘર ચલાવવાનું હતું. કૌટુંબિક સંઘર્ષે સુહાનીને પ્રેરણા આપી અને તેણે પોતાની જાતને તેના અભ્યાસમાં સંપૂર્ણપણે સમર્પિત કરી દીધી. એક તરફ તે દિવસ-રાત અભ્યાસમાં વ્યસ્ત હતી. સાથે જ જ્યારે જરૂર પડે ત્યારે ઘરના કામકાજમાં માતાનો સાથે પણ આપતી. માતા-પિતાએ આશાસ્પદ સુહાનીની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી અને તેને તેમની પુત્રીની મહેનતનું પરિણામ ગણાવ્યું.

Shah Jina