ક્યુટનેસમાં આલિયાની રાહાથી કમ નથી આતિફ અસલમની દીકરી હલીમા, સિંગરે રિવીલ કર્યો તેની નાનકડી પ્રિન્સેસનો ચહેરો- જુઓ કોમેન્ટમાં
ગયા વર્ષે ક્રિસમસ પર બોલિવુડ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમની લાડલી રાહા કપૂરને મીડિયા સમક્ષ રજૂ કરી હતી. ત્યારથી રાહા સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છવાયેલી છે. ત્યારે હવે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવનાર પાકિસ્તાની સિંગર આતિફ અસલમની દીકરી હલીમા ઇન્ટરનેટ પર ખૂબ જ ચર્ચામાં છે.
આતિફ અસલમે દીકરીને 1 વર્ષ પૂરુ થવા પર ચાહકો સાથે તેનો ચહેરો રિવીલ કર્યો હતો. હલીમાની તસવીર સામે આવતા જ લોકોએ તેની તુલના રાહા કપૂર સાથે કરવાનું શરૂ કરી દીધું. હલીમા અને રાહા બંનેના ચહેરા એકબીજા સાથે ઘણા અંશે મળતા આવે છે. આતિફે પહેલા જન્મદિવસ પર દીકરી હલીમાનો ફોટો શેર કર્યો હતો.
એક તસવીરમાં આતિફ તેની દીકરી સાથે પોઝ આપે છે, જ્યારે બીજી તસવીરમાં હલીમા બે ચોટી અને વ્હાઇટ ફ્રોકમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં તેની ક્યુટનેસ અને તેની માસૂમિયત ભરેલી આંખો જોઇ લોકો તેના પર દિલ હારી બેઠા છે. આતિફે તસવીર શેર કરતાની સાથે જ ચાહકોએ પણ હલીમાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
કેટલાક ચાહકોએ હલિમા અને રાહાને એક સરખા પણ કહ્યા. ખાસ કરીને ચાહકોની નજર હલીમાની આંખો પર જ અટકી ગઇ હતી. આ તસવીરો શેર કરતા આતિફે કેપ્શનમાં લખ્યું- ‘બાબા તેની રાજકુમારીના જૂતા ખિસ્સામાં રાખે છે. હલીમાને જોઇએ તો કહી દેજો. કોઇ પણ શરત વિના પ્પેમ. હેપ્પી બર્થડે 23/03/23.’ આતિફ અસલમે તસવીરો શેર કરતાની સાથે જ ચાહકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી.
ફોટો પર કોમેન્ટ કરતી વખતે યુઝર્સ કહી રહ્યા છે કે તેઓ હલીમાની ક્યૂટનેસ પર ફિદા થઇ રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘હું મારા ફીડને રિફ્રેશ નથી કરવા માંગતો.’ હલીમાના લુક અને ક્યૂટનેસની ચારે બાજુ પ્રશંસા થઇ રહી છે. હલીમાની ક્યૂટનેસના વખાણ કરવાની સાથે કેટલાક ફેન્સ એવું પણ કહે છે કે તે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી ‘રાહા’ જેવી લાગે છે.
જણાવી દઈએ કે વર્ષ 2013માં આતિફ અસલમે લાહોરમાં સારા ભરવાના સાથે લગ્ન કર્યા હતા. હલીમા સિવાય આતિફ અસલમને બે પુત્રો પણ છે, જેમના નામ અબ્દુલ અહાદ અને આર્યન અસલમ છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આતિફ અસલમ લાંબા બ્રેક બાદ ફરી એકવાર બોલિવૂડમાં વાપસી કરવા માટે તૈયાર છે. 2016માં ઉરી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, ત્યારથી આતિફ અસલમ પણ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે.