અમદાવાદમાં કેજરીવાલને ટોપી પહેરાવી, લખ્યુ- ‘હું હિંદુ ધર્મને પાગલપન માનું છુ’ જાણો સમગ્ર મામલો

અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત પહોંચી રહ્યા છે, ત્યારે દિલ્હી સરકારમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમને લગતો વિવાદ ગુજરાત સુધી પહોંચી ગયો છે. સમગ્ર ગુજરાતમાં કેજરીવાલના હિંદુ વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જેમાં કેજરીવાલને એવું કહેતા બતાવવામાં આવ્યા છે કે હું હિન્દુ ધર્મને પાગલપન માનું છું. આ ઉપરાંત બીજા પોસ્ટરમાં તે વાતો લખવામાં આવી છે જે દિલ્હીમાં આયોજિત બૌદ્ધ ધમ્મ દીક્ષા કાર્યક્રમમાં બોલવામાં આવી હતી. ધર્માંતરણના મેગા કાર્યક્રમને લઈને ગઈકાલથી જ ભાજપ આ મુદ્દે આક્રમક છે.

ગુજરાતમાં ગઈકાલે ભાજપના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું અને કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમને હટાવવાની માંગ કરી હતી. ગુજરાતમાં આ વિવાદના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બધાની વચ્ચે ગુજરાતની મુલાકાતે આવેલા કેજરીવાલ દાહોદમાં જનસભાને સંબોધશે અને સાંજે વડોદરામાં તિરંગા યાત્રામાં જોડાશે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેશે. આ પોસ્ટરો વડોદરામાં લગાવવામાં આવ્યા છે. જેમને આમ આદમી પાર્ટીના કાર્યકરો હટાવી રહ્યા છે.

કેટલાક શહેરોમાં આ પોસ્ટરો પર હિન્દુ હિત્રરક્ષક સમિતિ કર્ણાવતી લખવામાં આવ્યું છે. અન્ય જગ્યાએ નામ લખવામાં આવ્યુ નથી. કેજરીવાલ પોતાના પ્રવાસની શરૂઆત દાહોદથી કરવાના છે. તેઓ બપોરે 1:30 વાગ્યાની આસપાસ દાહોદ પહોંચવાના હતા અને નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જાહેર સભાને સંબોધશે. આ પછી કેજરીવાલ વડોદરા પહોંચશે. અહીં સાંજે તેઓ શહેરના મધ્યમાં આયોજિત તિરંગા યાત્રામાં ભાગ લેશે. તિરંગા યાત્રા બપોરે 4 કલાકે શરૂ થશે. આ યાત્રા શહીદ ભગતસિંહ ચોકથી કીર્તિ સ્તંભ સુધી જશે.

કેજરીવાલ આ પહેલા પણ ઘણી વખત વડોદરાની મુલાકાતે આવી ચુક્યા છે અને દરેક વખતે તેમની મુલાકાતમાં વિવાદ ઉભો થયો છે. છેલ્લી વખત તેમણે વડોદરાના પાર્ટી પ્લોટમાં એજ્યુકેશન ડાયલોગ કર્યો હતો. જેથી ભારે વિવાદ થયો હતો. કેજરીવાલ વડોદરા પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર તેમની સામે મોદી-મોદીના નારા લાગ્યા હતા. આવી સ્થિતિમાં કેજરીવાલની આ મુલાકાતને લઈને પ્રશાસન ખૂબ જ સતર્ક છે. આ પહેલીવાર બનશે જ્યારે કેજરીવાલ અને ભગવંત માન બંને સામાન્ય જનતાની વચ્ચે ખુલ્લામાં હશે. પ્રવાસના બીજા ભાગમાં કેજરીવાલ બારડોલી જશે અને ત્યાં સભા પણ કરશે.ભાજપના નેતા ધનસુખ ભંડારી અનુસાર,

આ પોસ્ટરો હિન્દુઓએ લગાવ્યા છે, કારણ કે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. કેજરીવાલ અને તેમના મંત્રીએ માફી માંગવી જોઈએ. આ રીતે બધું કેજરીવાલની મૌન સંમતિથી થઈ રહ્યું છે. તેમણે આ વિવાદાસ્પદ નિવેદન કરનાર નેતાને બરતરફ કરવો જોઈએ અને હિન્દુઓની માફી માંગવી જોઈએ. AAP નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ મીડિયાને કહ્યું કે હું પણ હિન્દુ છું અને કેજરીવાલ પણ હિન્દુ છે. અમને હિન્દુ હોવાનો ગર્વ છે, પરંતુ હિન્દુત્વના નામે આ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ. અમે ગુજરાતમાં વિકાસના કામ કરવા જઈ રહ્યા છીએ, તેથી અમારો વિરોધ ખોટી રીતે થઈ રહ્યો છે, ખબર નહીં ભાજપ બેનર લગાવીને શું સાબિત કરવા માંગે છે.

Shah Jina