“પૈસો પૈસાને ખેંચે ભાઈ”, Appleના સ્ટોર પાસે અંબાણી પરિવારને મળશે આટલું મહિનાનું ભાડુ !
ભારતમાં પહેલો ઓફિશિયલ Apple સ્ટોર ખુલી ગયો છે. મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં તેને ખોલવામાં આવ્યો છે. એપલના સીઈઓ ટિમ કૂક પોતે તેના ઓપનિંગ સેરેમની માટે ભારત પહોંચ્યા હતા અને તેમણે પોતાના હાથે આ સ્ટોરનો ગેટ ખોલ્યો હતો. માયાનગરીમાં ખોલવામાં આવેલ આ Apple BKC સ્ટોર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના રિલાયન્સ જિયો વર્લ્ડ ડ્રાઇવ મોલમાં ખોલવામાં આવ્યો છે.
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટિમ કૂક અંબાણીને દર મહિને લાખો રૂપિયા આ જગ્યાના ભાડા તરીકે આપશે. રિપોર્ટ અનુસાર, એપલે ભારતમાં તેનો પહેલો સ્ટોર રિલાયન્સ મોલમાં ખોલવા માટે લાંબા કરાર કર્યા છે. એપલ સ્ટોર માટે લગભગ 20,800 ચોરસ ફૂટ જગ્યા ભાડે આપવામાં આવી છે, જેના પર આ Apple BKS ખોલવામાં આવ્યું છે. આ જગ્યા ભાડે લેવા માટે એપલ કંપની દ્વારા 133 મહિના એટલે કે 11 વર્ષનો લીડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ જગ્યા માટે મુકેશ અંબાણીને એપલ તરફથી દર મહિને લગભગ 42 લાખ રૂપિયા ભાડા તરીકે આપવામાં આવશે. એપલ BKC સ્ટોરનું ભાડું દર ત્રણ વર્ષે રિવાઇઝ કરવામાં આવશે. કરાર મુજબ, ભાડાની નિશ્ચિત રકમ 3 વર્ષના ગાળામાં 15 ટકા વધારવામાં આવશે.
અંબાણી પરિવારના રિલાયન્સ જિયો વર્લ્ડ ડ્રાઇવ મોલમાં ખોલવામાં આવેલા આ સ્ટોર માટે, કંપનીએ દર મહિને ખાલી ભાડું જ નહીં પણ પ્રથમ ત્રણ વર્ષ માટે આવકના 2 ટકા અને ત્રણ વર્ષ પછી 2.5 ટકાનો ફાળો પણ આપવો પડશે. હાલમાં મુંબઈમાં ખોલવામાં આવેલી આ Apple BKCમાં 100 કર્મચારીઓ કામ કરે છે. જેઓ 20 ભાષાઓમાં લોકો સાથે વાતચીત કરી શકે છે. એપલની વેબસાઈટની જેમ અહીં પણ યુઝર્સને ટ્રેડ ઈન પ્રોગ્રામનો વિકલ્પ મળશે,
જેના હેઠળ જૂના ઉપકરણોની આપ-લે કરી શકાશે અને નવા ઉપકરણો ખરીદી શકાશે. આ ઉપરાંત આ એપલ સ્ટોરમાં 4.50 લાખ લાકડાના તત્વોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એપલ સ્ટોરમાં એપલ પિક અપ સર્વિસ પણ આપવામાં આવે છે એટલે કે ગ્રાહકો ઘરેથી પ્રોડક્ટ પસંદ કરીને ઓર્ડર કરી શકે છે અને સ્ટોર પર જઈને પિકઅપ કરી શકે છે.
કંપનીના જણાવ્યા અનુસાર ભારતમાં આ પહેલો એપલ સ્ટોર 100% રિન્યુએબલ એનર્જી સાથે કાર્યરત થશે. તમને જણાવી દઈએ કે એપલે ભારતમાં પહેલીવાર મેકિન્ટોશને 1984માં રજૂ કર્યું હતું અને હવે 25 વર્ષ પછી એપલ BKC, મુંબઈમાં પહેલો એપલ સ્ટોર ખોલવામાં આવ્યો છે. એપલના સીઈઓ ટિમ કુકે કહ્યું, ‘આ એક લાંબી સફર રહી છે, મને ખુશી છે કે એપલ ભારતમાં તેનો સ્ટોર ખોલી રહી છે.’